Drama Outside Ahmedabad Mall: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન જીવનને લઈને ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલ રબારીના કથિત અપહરણને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. મુકેશ દેસાઈ નામના યુવકે પોલીસને ફોન કરીને પત્નીના અપહરણની જાણ કરી હતી, પરંતુ સીસીટીવી ફૂટેજ અને ત્યાર બાદ સામે આવેલા કિંજલ રબારીના ખુલાસાથી સમગ્ર મામલે નાટકીય વળાંક લીધો છે.

Drama Outside Ahmedabad Mall: ચાંદખેડા મોલ બહારથી અપહરણનો દાવો
મુકેશ દેસાઈએ અમદાવાદ કંટ્રોલ રૂમમાં ફોન કરી માહિતી આપી હતી કે, તે અને કિંજલ ચાંદખેડા સ્થિત સીબીડી (CBD) મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પતાવીને મોલની બહાર નીકળતા જ બે કારમાં આવેલા અજાણ્યા શખ્સો કિંજલનું અપહરણ કરીને ફરાર થઈ ગયા છે. આ કોલ મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Drama Outside Ahmedabad Mall: CCTV ફૂટેજે પોલ ખોલી: જાતે કારમાં બેસતી દેખાઈ
પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા અપહરણની થિયરી પાયાવિહોણી સાબિત થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું કે એક શખ્સે મુકેશ દેસાઈને પકડી રાખ્યો હતો, તે દરમિયાન કિંજલ રબારી કોઈ પણ પ્રકારના બળપ્રયોગ વગર પોતાની મેળે જ કારમાં બેસી ગઈ હતી અને કાર ત્યાંથી રવાના થઈ ગઈ હતી.

Drama Outside Ahmedabad Mall: કિંજલ રબારીનો વીડિયો વાયરલ: ‘મને ગોંધી રાખી પરપુરુષને સોંપી દીધી હતી’
વિવાદ વધતાં જ કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી સમગ્ર હકીકત જણાવી હતી. કિંજલે ખુલાસો કર્યો કે:
- “મેં 2 મે 2024ના રોજ અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારજનો આ સંબંધ સ્વીકારવા તૈયાર ન હતા.”
- “મારા પિયરપક્ષના લોકો મને બળજબરીથી ઘરે લઈ ગયા હતા અને રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવી હતી.”
- “મને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી અને પરપુરુષ (મુકેશ દેસાઈ)ને સોંપી દેવામાં આવી હતી. ત્યાં મારા જીવને જોખમ હોવાથી મેં મારા અસલી પતિ અશોક ચૌધરીનો સંપર્ક કર્યો હતો.”
- “હું મારી મરજીથી મારા પતિ પાસે પાછી આવી છું અને અહીં સંપૂર્ણ સલામત છું. આ કોઈ અપહરણ નથી, જેથી કોઈએ ખોટી ફરિયાદ કરવી નહીં.”

Drama Outside Ahmedabad Mall: માલધારી આગેવાનની યુવાઓને અપીલ
આ ઘટના બાદ માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સમાજના યુવાનોને લાગણીમાં ન આવવા સલાહ આપતાં જણાવ્યું કે, “જે પોતાના લોહીના સંબંધો કે માતા-પિતાની ન થઈ શકી, તે કોઈની ન થઈ શકે. માલધારી સમાજના યુવાનો અને આગેવાનોએ આ વિવાદથી દૂર રહેવું જોઈએ.”
રાધનપુરના સિનાડ ગામની વતની અને ‘કોયલ કંઠી’ તરીકે જાણીતી કિંજલ રબારી અગાઉ પણ પોતાના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નને લઈને ચર્ચામાં રહી હતી. હાલમાં પોલીસે સીસીટીવી અને વાયરલ વીડિયોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

