Auto-Taxi Strike : ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઇન કેબ-બાઇક સર્વિસ સામે અમદાવાદના રિક્ષા અને ટેક્સીચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોમવારે ટ્રાફિક જેસીપી અને આરટીઓ (RTO) અધિકારીઓ સાથે યુનિયનની યોજાયેલી બેઠક કોઈપણ નક્કર પરિણામ વગર પૂર્ણ થતાં ચાલકોએ આગામી ૧૦ સપ્ટેમ્બર સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
Auto-Taxi Strike : મુખ્ય માગણીઓ અને બેઠકનું પરિણામ
- ઓનલાઈન એપ્સ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સીઓ તાત્કાલિક બંધ કરવી.
- સરકારી નિયમો મુજબ તમામ ટેક્સી-કેબનું ભાડું નક્કી કરવું.
આ બંને મુદ્દાઓ પર વહીવટી તંત્ર તરફથી માત્ર આશ્વાસન મળતાં, યુનિયને સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
Auto-Taxi Strike : પ્રથમ દિવસે ઘર્ષણ અને મુસાફરોની હાલાકી
હડતાળના પહેલા દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં રિક્ષાઓ ચાલુ રહેતાં યુનિયનના કાર્યકરો લાકડીઓ લઈને રસ્તા પર ઉતર્યા હતા. રાણીપ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયા હતા અને અન્ય ચાલકો પર હડતાળમાં જોડાવા દબાણ કરાતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
બીજી તરફ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનો બહાર મુસાફરોની લાચારીનો ફાયદો ઉઠાવી કેટલાક ચાલકોએ બેફામ ભાડાં વસૂલ્યા હતા. સામાન્ય અંતર માટે પણ મુસાફરો પાસેથી મનફાવે તેમ નાણાં પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
Auto-Taxi Strike : પોલીસની કડક ચેતવણી અને બંદોબસ્ત
રસ્તા પર મુસાફરોને હેરાન કરવા અને બળજબરીથી વાહનો રોકવાની ઘટનાઓને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ નાગરિક કે મુસાફર સાથે ગેરવર્તણૂક કરવામાં આવશે કે જાહેર માર્ગો પર અડચણ ઊભી કરાશે તો યુનિયનના સભ્યો સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે. આજે શહેરના મુખ્ય જંકશનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ પણ વાંચો :વડોદરા-નવસારી મોદીના સ્વાગત માટે સજ્જ, વિકાસ, ટેકનોલોજી અને સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ

