Miami Airport Plane Crash: અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. લેન્ડિંગ દરમિયાન એમેઝોનના પ્રાઇમ એર નેટવર્ક માટે સંચાલિત બોઇંગ 767 કાર્ગો પ્લેન રનવે પરથી બહાર નીકળી ગયું હતું. ત્યારબાદ વિમાન એરપોર્ટ નજીક અનેક વાહનો સાથે અથડાયું અને તેમાં ભીષણ આગ લાગી હતી.
અકસ્મતમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વિમાનમાં લાગેલી આગ અને કાળા ધુમાડાનો ગોટો એરપોર્ટની બહાર ઊભેલી એક કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થયો હતો.
Miami Airport Plane Crash: વિમાન અનેક ગાડીઓ સાથે અથડાયું

અહેવાલ મુજબ અકસ્માત સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે થયો હતો. બોઇંગ 767 વિમાન પ્યુર્ટો રિકોના લુઈસ મુનોઝ મારિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને મિયામી પહોંચ્યું હતું.
લેન્ડિંગ બાદ વિમાન રનવે 30 પરથી આગળ નીકળી ગયું અને એરપોર્ટ નજીકના અનેક વાહનો સાથે અથડાયું. ટક્કર બાદ વિમાનમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.
Miami Airport Plane Crash: 60થી વધુ ફાયર યુનિટ્સે હાથ ધર્યું રેસ્ક્યુ
મિયામી-ડેડ ફાયર રેસ્ક્યુની 60થી વધુ યુનિટ્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 200થી વધુ ઇમરજન્સી કર્મચારીઓને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
ફાયર રેસ્ક્યુ ટીમોએ ખાસ ફોમનો ઉપયોગ કરીને વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. અકસ્માત બાદ અનેક વાહનોમાં લોકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું હતું. વિમાનના પાઇલટ અને કો-પાઇલટ પણ કોકપિટમાં ફસાયા હતા.
અકસ્મતના કેટલાક કલાકો બાદ પણ વિમાનમાંથી ઇંધણ લીકેજની સમસ્યા યથાવત રહી હતી. જોકે, મૃતકોમાં કેટલા લોકો વિમાનમાં સવાર હતા અને કેટલા જમીન પર રહેલા લોકો હતા તે અંગે અધિકારીઓએ હજુ સ્પષ્ટ માહિતી આપી નથી.
Miami Airport Plane Crash: 208 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું વિમાન

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24ના ડેટા અનુસાર, વિમાન રનવેના ઉપયોગી ભાગમાંથી બહાર નીકળતી વખતે લગભગ 112 નોટ એટલે કે 208 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું.
વિમાને રનવે 30 પર લેન્ડિંગ કર્યું હતું. આ રનવે 9,000 ફૂટથી વધુ લાંબો છે. વિમાન સમયસર કેમ રોકાઈ શક્યું નહીં અને રનવે પરથી બહાર કેમ નીકળી ગયું તે અંગે હજુ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
Miami Airport Plane Crash: ATC રેકોર્ડિંગમાં મહત્વની માહિતી

એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડિંગમાં એક ગ્રાઉન્ડ વ્હીકલ દ્વારા ટાવરને વિમાન રનવે 30થી આગળ નીકળી ગયું હોવાની જાણકારી આપતી વાતચીત સંભળાય છે.
પ્રારંભિક અહેવાલ મુજબ, લેન્ડિંગ પહેલાં પાઇલટ્સે કોઈ ઇમરજન્સી જાહેર કરી નહોતી. હવે FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એટલે કે NTSB દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
Miami Airport Plane Crash: મિયામી એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને અસર

દુર્ઘટના બાદ મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટના તમામ રનવે અને ટેક્સીવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડ સ્ટોપ લગાવવામાં આવ્યો હતો.
APના અહેવાલ અનુસાર, રવિવારે 160થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે આશરે 325 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. બાદમાં કેટલાક રનવે ફરી ખોલવામાં આવ્યા હતા, પરંતુ દુર્ઘટનાગ્રસ્ત વિમાનને કારણે એરપોર્ટના સંચાલન પર અસર ચાલુ રહી હતી.
Miami Airport Plane Crash:32 વર્ષ જૂનું બોઇંગ 767

અકસ્મતમાં સામેલ કાર્ગો વિમાન લગભગ 32 વર્ષ જૂનું બોઇંગ 767 હતું. આ વિમાન 21 Air દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું અને એમેઝોન એરના નેટવર્ક માટે ઉડાન ભરી રહ્યું હતું.
એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું કે 21 Air દ્વારા સંચાલિત એમેઝોન એરનું એક વિમાન મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગના પ્રયાસ દરમિયાન ઘટનાનો ભોગ બન્યું છે. કંપનીએ વધુ માહિતી એકત્રિત કરી રહી હોવાનું જણાવ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો હાઈવોલ્ટેજ ડ્રામા, મુકેશ દેસાઈએ અપહરણની ફરિયાદ કરી, કિંજલે કહ્યું- ‘જીવનું જોખમ હતું, સ્વેચ્છાએ પતિ પાસે ગઈ’

