Census 2027 Begins: ગુજરાતમાં ‘વસતી ગણતરી-2027’નો શંખનાદ, 1.10 લાખ કર્મચારીઓ ફિલ્ડમાં ઉતર્યા; દેશમાં પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના

0
101
Census 2027 Begins
Census 2027 Begins

Census 2027 Begins: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી (1 જૂન) ઐતિહાસિક ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાઈ રહી છે. રાજ્યભરમાં આજથી ‘હાઉસ લિસ્ટિંગ’ (ઘરયાદી) અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (HLO) ની વ્યાપક કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ નાગરિકોને આ મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા સત્તાવાર અનુરોધ કર્યો છે.

Census 2027 Begins

Census 2027 Begins: વિશાળ વહીવટી માળખું અને ટેકનોલોજી

ગુજરાતભરમાં આ પ્રક્રિયાને સુચારુ રીતે સંપન્ન કરવા માટે મસમોટું વહીવટી માળખું ફિલ્ડ પર તહેનાત કરવામાં આવ્યું છે:

  • હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs): 1,10,598
  • નિયુક્ત ગણતરીદારો: 1,09,038
  • સુપરવાઇઝરોની સંખ્યા: 18,254
  • ઉપલબ્ધ ભાષાઓ: ગુજરાતી સહિત કુલ 16 સત્તાવાર ભાષાઓમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) એપ્લિકેશન મારફતે ડેટા એન્ટ્રી થશે.
  • ઓફલાઇન સુવિધા: ઇન્ટરનેટ નેટવર્ક ન હોય તેવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એપ્લિકેશન વિના-ઇન્ટરનેટે ડેટા સંગ્રહિત કરી શકશે.

Census 2027 Begins: બે તબક્કામાં પૂર્ણ થશે સમગ્ર પ્રક્રિયા

પ્રથમ તબક્કો: 1 જૂનથી 30 જૂન

આ એક મહિના દરમિયાન ગણતરીદારો ઘરે-ઘરે જઈને મકાનોની ગણતરી કરશે. જેમાં આવાસની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને અન્ય ભૌતિક અસ્કયામતોને લગતા કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરાશે. આ ગણતરીમાં પ્રથમવાર 4 નવા સવાલો ઉમેરાયા છે:

  1. શું તમે ઈન્ટરનેટ વાપરો છો?
  2. શું તમારી પાસે સ્માર્ટ ફોન છે?
  3. શું તમે બોટલ્ડ વોટર (કેન/બોટલનું પાણી) વાપરો છો?
  4. તમે કયું ધાન્ય વધારે ખાવ છો?

બીજો તબક્કો: 9થી 28 ફેબ્રુઆરી, 2027

આ આખરી તબક્કામાં મુખ્ય વસતી ગણતરીની સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર રીતે જાતિ ગણતરી’ (PE) ની કામગીરી પણ સંયુક્ત રૂપે પૂર્ણ કરવામાં આવશે.

સાવધાન! કર્મચારીઓ પૂછે તો પણ આ 3 વિગતો ન આપો

કેન્દ્ર સરકાર અને વસતી ગણતરી નિયામક દ્વારા નાગરિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ડિજિટલ સુરક્ષાના ભાગરૂપે ગણતરીકારોને નીચેની વિગતો આપવાની નથી:

  1. આવક: તમારી મહિનાની કમાણી અથવા બેંક બેલેન્સ સંબંધિત કોઈ પ્રશ્નનો જવાબ આપવો નહીં.
  2. દસ્તાવેજો: ઓળખપત્રના અસલ દસ્તાવેજો બતાવવાનું કોઈ દબાણ કરી શકશે નહીં.
  3. બેંક વિગતો: બેંક ખાતા નંબર, એટીએમ પિન કે OTP (ઓટીપી) જેવી ખાનગી વિગતો ક્યારેય શેર કરવી નહીં.

મહત્વપૂર્ણ નોંધ: વસતી ગણતરીના કાયદા મુજબ દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ માહિતી આપવાનો ઇનકાર કરશે કે ખોટી માહિતી આપશે તો તેની સામે ‘જનગણના અધિનિયમ-1948’ હેઠળ કાયદેસરની કાર્યવાહી અને દંડ થઈ શકે છે. જોકે, આ માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે અને કોઈ કોર્ટ કે કરવેરાની પ્રક્રિયામાં તેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકશે નહીં.

નાગરિકો પોતાની કોઈપણ મૂંઝવણ માટે સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે.

Census 2027 Begins: વસતી ગણતરીના અનોખા નિયમો: લિવ-ઇન એટલે પરિણીત!

ડિજિટલ જનગણના માટે સરકારે કેટલાક રસપ્રદ માપદંડો નક્કી કર્યા છે:

  • લિવ-ઇન રિલેશનશિપ: લાંબા સમયથી સાથે રહેતા યુગલને વસ્તી ગણતરીમાં ‘પરિણીત યુગલ’ ગણવામાં આવશે.
  • રેડિયો વિ. ટીવી: જો મોબાઇલમાં FM હશે તો તેને ‘રેડિયો’ની શ્રેણીમાં ગણાશે. પરંતુ મોબાઇલ પર યુટ્યુબ જોતા હશો તો તેને ‘ટીવી’ ગણવામાં નહીં આવે, તેના માટે ઘરમાં ટીવી સેટ હોવો જરૂરી છે.
  • વાહન: કાર/જીપની શ્રેણીમાં ટ્રેક્ટર નોંધાશે નહીં. ઈ-રિક્ષા કે ઓટોને કાર કે બાઇક ગણવામાં આવશે નહીં.
  • રસોડું: ઘરના એક જ ભાગમાં રસોઈ બનતી હોય અને ત્યાં જ સૂવાનું હોય તો તેને ‘રસોડું’ ગણાશે નહીં. રસોડું અલગ રૂમ તરીકે હોવું જરૂરી છે.

Census 2027 Begins: બેંકિંગ અને મિલિટરી સિસ્ટમ જેવી ‘અભેદ્ય’ સુરક્ષા

ડેટા લીક થવાની કે વિદેશી શક્તિઓ દ્વારા આંતરિક નીતિઓ પ્રભાવિત થવાની આશંકાઓને ફગાવતા સરકારે વસ્તી ગણતરીના ડેટાને અતિ-સંવેદનશીલ માહિતી માળખા’ (CII) શ્રેણીમાં સામેલ કર્યો છે.

  • આ ડેટા સંપૂર્ણપણે ગોપનીય અને RTI ના દાયરાની બહાર રહેશે.
  • પરમાણુ ઉર્જા કેન્દ્રો, નેશનલ પાવર ગ્રીડ કે મિલિટરી નેટવર્કને મળે છે તેવી જ સુરક્ષા આ ડેટાને મળશે.
  • નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટરની દેખરેખ હેઠળ ફક્ત સત્તાવાર બાયોમેટ્રિક અને ડિજિટલ સિગ્નેચર ધરાવતા અધિકારીઓ જ ડેટા જોઈ શકશે. ડેટા લીક કરવા પર ‘રાષ્ટ્રીય સુરક્ષા’ની કલમો હેઠળ કડક કાર્યવાહી થશે.

Census 2027 Begins: મેપ પર દરેક ઘર બનશે ‘ડિજી ડોટ’: જાણો તેના 5 મોટા ફાયદા

આ વસ્તી ગણતરીમાં પ્રથમવાર દરેક ઘરનું ડિજિટલ જિયો-મેપિંગ કરીને તેને નકશા પર એક ‘ડિજી ડોટ’ તરીકે દર્શાવાશે, જેનાથી દેશને આ 5 મોટા ફાયદા થશે:

  1. આપત્તિમાં સચોટ રાહત: પૂર, ભૂકંપ કે વાદળ ફાટવા જેવી આપત્તિના સમયે આ મેપથી સેકન્ડોમાં ખબર પડી જશે કે કયા ક્ષેત્રના કયા ઘરમાં કેટલા લોકો ફસાયેલા છે. જેથી ફૂડ પેકેટ, હેલિકોપ્ટર કે રેસ્કયૂ બોટની સચોટ વ્યવસ્થા થઈ શકશે.
  2. સીમાંકનમાં પારદર્શકતા: સંસદીય કે વિધાનસભા ક્ષેત્રોના સીમાંકન (ડિલિમિટેશન) વખતે મોહલ્લાઓ કે સમુદાયો ખોટી રીતે ન વહેંચાઈ જાય તે માટે ઘરોના ડિજી ડોટથી ભૌગોલિક વિભાજન સચોટ બનશે.
  3. સ્માર્ટ સિટી પ્લાનિંગ: જો કોઈ ચોક્કસ વિસ્તારના ડિજિટલ લેઆઉટમાં બાળકોની સંખ્યા વધુ દર્શાશે, તો ત્યાં પ્રાથમિકતાના ધોરણે બગીચાઓ અને શાળાઓ બનાવવાનું આયોજન થશે. કાચા મકાનો વાળા વિસ્તારોમાં મેડિકલ ઇમરજન્સી માટે મોબાઇલ વાન તહેનાત કરી શકાશે.
  4. સ્થળાંતરનો સચોટ ડેટા: આગામી દસ વર્ષોમાં દેશમાં શહેરીકરણનો દર કેટલો વધ્યો અને કયા વિસ્તારોમાંથી લોકોએ વધુ સ્થળાંતર કર્યું તેની સચોટ ભૌગોલિક તુલના થઈ શકશે.
  5. ડુપ્લિકેટ મતદારો નાબૂદ થશે: જ્યારે કોઈ મતદાર ભૌગોલિક સ્થાન (જિયો ટેગિંગ) સાથે ડિજિટલી લિંક હશે, ત્યારે મતદાર યાદીમાંથી બેવડા રજીસ્ટ્રેશન અને ડુપ્લિકેટ નામો આપોઆપ દૂર થઈ જશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગાંધીનગરમાં ઉર્જા વિભાગના કલાસ-1 અધિકારી અશ્વિન ચૌધરી ACBના સકંજામાં, ઘર અને ગાડીમાંથી રૂ. 2.64 કરોડની મત્તા ઝડપાઈ