Truecaller Exposes Fraudster: મેટ્રિમોનિયલ સાઈટ પર જીવનસાથીની શોધ કરતા લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ‘આદિત્ય પટેલ’ નામ ધારણ કરી હિન્દુ વિધવા અને ડિવોર્સી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા કરીમ રફીકભાઈ સિપાઈ નામના શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે. આરોપીના મોબાઈલમાંથી હજારોની સંખ્યામાં મહિલાઓના આપત્તિજનક ફોટા અને વીડિયો મળી આવતા તપાસનીશ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

Truecaller Exposes Fraudster: ‘ટ્રુ કોલર’ના એક નોટિફિકેશને ખોલી દીધી પોલ
આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે અમદાવાદની એક વિધવા મહિલા આ ‘આદિત્ય પટેલ’ના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતે વિધૂર હોવાનું અને પ્લાસ્ટિકનો મોટો બિઝનેસ હોવાનું જણાવી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. બંને વચ્ચે ૪ થી ૫ મહિના સુધી વાતચીત ચાલી હતી. જોકે, એક દિવસ જ્યારે આદિત્યએ ફોન કર્યો ત્યારે મહિલાના મોબાઈલમાં ‘ટ્રુ કોલર’ (Truecaller) એપ્લિકેશનમાં નામ ‘કરીમ’ દેખાયું હતું. આ એક શંકાએ મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો.

Truecaller Exposes Fraudster: દસ્તાવેજો પણ બોગસ નીકળ્યા, બજરંગદળની મદદથી ભાંડો ફૂટ્યો
મહિલાને શંકા જતા તેણે આદિત્યએ આપેલા દસ્તાવેજોમાં દર્શાવેલા સરનામે જઈ તપાસ કરી હતી, જ્યાં આદિત્ય નામની કોઈ વ્યક્તિ જ રહેતી નહોતી. છેતરાયાનો અહેસાસ થતા મહિલાએ હિંમત દાખવી બજરંગદળનો સંપર્ક કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ શખ્સનું સાચું નામ કરીમ સિપાઈ છે અને તે કડીનો રહેવાસી છે. તે પોતે પરિણીત હોવા છતાં ખોટી ઓળખ આપી મહિલાઓને શિકાર બનાવતો હતો. કરીમ પાસેથી આદિત્ય પટેલના નામનું બોગસ પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મળી આવ્યા છે.
Truecaller Exposes Fraudster: મોબાઈલમાંથી મળ્યો આપત્તિજનક ડેટાનો ખજાનો
બજરંગદળના નેતા જ્વલિત મહેતાના દાવા મુજબ, કરીમના મોબાઈલની તપાસ કરતા તેમાંથી અંદાજે ૮,૦૦૦થી વધુ મહિલાઓ સાથેના આપત્તિજનક ફોટા અને વીડિયો મળી આવ્યા છે. તે મેટ્રિમોનિયલ સાઈટ પરથી પ્રોફાઈલ મેળવી ૨૦થી વધુ મહિલાઓને ટાર્ગેટ કરી ચૂક્યો હોવાનું મનાય છે. ડર અથવા સામાજિક પ્રતિષ્ઠાને કારણે અત્યાર સુધી કોઈ મહિલાએ ફરિયાદ કરી નહોતી, પરંતુ આ વખતે હિંમતવાન મહિલાએ અમદાવાદ પશ્ચિમ મહિલા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પાપનો ઘડો ફૂટ્યો છે.
Truecaller Exposes Fraudster: મેટ્રિમોનિયલ સાઈટ્સ અને યુઝર્સ માટે ચેતવણી
આ ઘટના બાદ બજરંગદળે પણ મેટ્રિમોનિયલ સાઈટ્સ સામે સવાલ ઉઠાવ્યા છે કે તેઓ પ્રોફાઈલને પૂરતી વેરિફાઈ કેમ નથી કરતા? પોલીસે પણ જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ પર અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધતા પહેલા તેના દસ્તાવેજોની પૂરતી ચકાસણી કરવી અત્યંત અનિવાર્ય છે. હાલ ક્રાઈમ બ્રાંચ કરીમની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે હજુ કેટલી મહિલાઓને આ રીતે શિકાર બનાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




