Accident on NE-4: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ એક્સપ્રેસ હાઈવે-૪ (NE-4) પર આજે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવીને રોંગ સાઇડમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલી એક વૈભવી ઇનોવા કાર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા મોટા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, પરંતુ સદનસીબે કારમાં સવાર ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

Accident on NE-4: રોંગ સાઇડમાં જવાની લાયચમાં સર્જાયો અકસ્માત
મળતી વિગતો મુજબ, આ અકસ્માત માંગરોળના મોટી નરોલી ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો. એક ઇનોવા કારના ચાલકે હાઈવે પર આગળ જઈને કટ લેવાના બદલે મોટી નરોલી નજીકથી જ શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું હતું. કાર ચાલક પોતાની ગાડીને એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઇડ (સામેની દિશામાં) ચઢાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાઈવે પર વાહનોની ગતિ અત્યંત ઝડપી હોય છે, તેવામાં અચાનક રોંગ સાઇડમાં આવેલી ઇનોવા કાર સામેથી પોતાની સાઈડમાં કાયદેસર રીતે આવી રહેલા એક વિશાળ ટ્રેલર સાથે ધડાકાભેર ભટકાઈ પડી હતી.

Accident on NE-4: ચાર પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ: સામાન્ય ઈજાઓ થઈ
ચમત્કારિક બચાવ: ટ્રેલર અને કાર વચ્ચેનો આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને જોતા એમ લાગતું હતું કે મોટી જાનહાનિ થઈ હશે, પરંતુ સદનસીબે કારની એરબેગ્સ ખૂલી જતાં અને નસીબ જોગ કારમાં બેઠેલા ચારેય લોકોને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. તમામને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Accident on NE-4: હાઇવે પર ટ્રાફિક જામ, પોલીસ કાફલો ઘટનાસ્થળે
એક્સપ્રેસ હાઈવે જેવી વ્યસ્ત રોડ પર અકસ્માત થવાના કારણે રોડની એક તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા ઇજાગ્રસ્તોને મદદ કરી હતી અને ત્યારબાદ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ઇનોવા કાર અને ટ્રેલરને રોડની બાજુ પર ખસેડીને ટ્રાફિક વ્યવહારને ફરી પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે રોંગ સાઇડમાં ગાડી ચલાવી અન્યોના જીવ જોખમમાં મૂકનાર કાર ચાલક સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર પુરવાર કરે છે કે હાઇવે પર ક્ષણભરની બેદરકારી કે શોર્ટકટ મોટો કાળ બની શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




