Ahmedabad Police-MLA Meeting: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, દારૂના અડ્ડા અને ડ્રગ્સના વેચાણ જેવા મુદ્દાઓને લઈને પોલીસ અને ધારાસભ્યો વચ્ચે મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યોએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રજૂઆતો કરી હતી. બેઠકમાં ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, ડ્રગ્સ અને દારૂના ગેરકાયદે વેચાણ પર નિયંત્રણ, અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી અને તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના મુદ્દાઓ ચર્ચાયા હતા.
શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કેપ્સુલ સિસ્ટમને લઈને પણ ધારાસભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ચાર રસ્તા પર ડિવાઇડર બંધ કરીને વાહનચાલકોને ચોક્કસ માર્ગેથી પસાર થવા મજબૂર કરતી આ વ્યવસ્થા દરેક સ્થળે યોગ્ય સાબિત થતી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યોએ આ સિસ્ટમનો સર્વે કરીને જ્યાં જરૂરી ન હોય ત્યાં ફેરફાર કરવા અથવા દૂર કરવા માંગ કરી હતી.
Ahmedabad Police-MLA Meeting: ઓવરબ્રિજના આયોજનમાં ટ્રાફિક પોલીસને સાથે રાખવા માંગ
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શહેરમાં નવા ઓવરબ્રિજ બનાવવાના આયોજન અંગે મહત્ત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે ત્યારે પ્રોજેક્ટના પ્રારંભિક આયોજનથી જ ટ્રાફિક પોલીસને સાથે રાખવી જોઈએ. કારણ કે બ્રિજ તૈયાર થયા બાદ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી શકે છે અને વાહનવ્યવહારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી બ્રિજના ડિઝાઇન અને આયોજન વખતે જ ટ્રાફિક પોલીસના અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત તેમણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી હતી. દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું વેચાણ થતું હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી.
Ahmedabad Police-MLA Meeting: દરિયાપુર, શાહપુર અને દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદે પાર્કિંગનો પ્રશ્ન
દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને શહેરના કોટવિસ્તારમાં ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગની સમસ્યા અંગે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે દરિયાપુર, શાહપુર, શંકર ભુવન અને દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.
દૂધેશ્વરની મહાકાળીની ચાલી પાસે આવેલા મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને પણ રસ્તા પર પડેલી બિનઉપયોગી અને બંધ હાલતમાં રહેલી ગાડીઓ તેમજ લારી-ગલ્લાઓને કારણે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ રસ્તા પરથી આવા અવરોધો દૂર કરીને વાહનવ્યવહાર સરળ બનાવવાની માંગ કરી હતી.
તહેવારો દરમિયાન નોનવેજની દુકાનોમાં વેચાણ કરતી વખતે કપડું ઢાંકીને વેચાણ કરવાના નિયમનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
Ahmedabad Police-MLA Meeting: કફ સીરપના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ
બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે ચારતોડા કબ્રસ્તાન નજીક કોરેક્ષ કફ સીરપના ગેરકાયદે વેચાણનો મુદ્દો બેઠકમાં ઉઠાવ્યો હતો. તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ અંગે પોલીસ તરફથી સંબંધિત ડિસ્ટ્રિબ્યુટરનું લાઇસન્સ રદ કરવા સુધીનાં પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હતી.
બીજી તરફ અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલે રામરાજ્યનગર અને રબારી કોલોની વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા ટ્રાફિક પોઇન્ટ શરૂ કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખારીકટ કેનાલ રોડ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી, જેથી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની શકે.
Ahmedabad Police-MLA Meeting: દિવાળી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ચોરી, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો. ઠક્કરબાપાનગરનાં ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ સરદાર ચોક અને જી.ડી. રોડ વિસ્તારમાં ચોરી અને લૂંટના બનાવો અટકાવવા પોલીસની સતત હાજરી અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી.
નરોડાનાં ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ પણ ટ્રાફિક વ્યવસ્થાને લઈને રજૂઆત કરી હતી. તેમણે કેપ્સુલ સિસ્ટમનો યોગ્ય સર્વે કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કુબેરનગર માર્કેટમાં યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને શહેરના 13 એન્ટ્રી પોઇન્ટ પર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા રજૂઆત કરી હતી. આ કેમેરા દ્વારા શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનો પર નજર રાખવામાં મદદ મળી શકે છે.
Ahmedabad Police-MLA Meeting: વાડજ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલ અને પોલીસ સ્ટેશનનો મુદ્દો
નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલે વાડજ ઓવરબ્રિજની નીચે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરવાની માંગ કરી હતી. ઓવરબ્રિજ નીચે વાહનોની અવરજવર યોગ્ય રીતે નિયંત્રિત થાય અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ન થાય તે માટે જરૂરી આયોજન કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત નારણપુરા અને વાડજ પોલીસ સ્ટેશન એક જ બિલ્ડિંગમાં કાર્યરત હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. નારણપુરા પોલીસ સ્ટેશનને અલગ બિલ્ડિંગમાં ખસેડવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Ahmedabad Police-MLA Meeting: વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ડ્રગ્સ-દારૂના વેચાણનો મુદ્દો
બેઠકમાં શહેરના પોશ વિસ્તારો ગણાતા વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ડ્રગ્સ અને દારૂના ગેરકાયદે વેચાણ અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. શહેરના કોટવિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થાય અને અસામાજિક તત્ત્વો પર અંકુશ આવે તેવી માંગ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ તરફથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે જ ટ્રાફિકની સમસ્યાઓ, ગેરકાયદે પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લગતા પ્રશ્નો અંગે પણ સંબંધિત વિભાગો દ્વારા જરૂરી પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી.
Ahmedabad Police-MLA Meeting: કેપ્સુલ સિસ્ટમની સમીક્ષા પર સૌની નજર
આ સમગ્ર બેઠકમાં સૌથી વધુ ચર્ચા કેપ્સુલ ટ્રાફિક સિસ્ટમને લઈને થઈ હતી. ધારાસભ્યોનું કહેવું હતું કે શહેરના તમામ ચાર રસ્તાઓ પર એકસરખી વ્યવસ્થા લાગુ કરવાથી કેટલીક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે વધી શકે છે. તેથી દરેક વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને વાહનોની અવરજવર પ્રમાણે અલગ આયોજન થવું જોઈએ.
આમ, અમદાવાદમાં ટ્રાફિકથી લઈને ડ્રગ્સ, દારૂ, ગેરકાયદે પાર્કિંગ અને તહેવારોની સુરક્ષા સુધીના અનેક મુદ્દાઓ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. હવે આ રજૂઆતોના આધારે પોલીસ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા કયા વિસ્તારોમાં કેવા પગલાં લેવામાં આવે છે તેના પર શહેરના નાગરિકોની નજર રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

