Tragedy on Surat Roads: સુરત મહાનગરપાલિકાની કથિત બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટી નજીક રોડ પરના જોખમી ખાડામાં બાઈક ખાબકતાં સંદીપ નામના યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
Tragedy on Surat Roads: કાદવ અને કીચડના કારણે સર્જાયો ગંભીર અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત રાત્રિના અંદાજે 10:30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. સંદીપ આહિર ચોકથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રોડ પર ફેલાયેલા કાદવ અને કીચડના કારણે તેમની બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી અને રોડ પરના મોટા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું કમનસીબે સ્થળ પર જ મોત થયું હતું.
Tragedy on Surat Roads: તંત્રની બેદરકારી અને સ્થાનિકોનો રોષ

આ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ પર છેલ્લા ઘણા સમયથી 5 થી 7 મોટા ખાડા યથાવત છે અને તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, 150 ફૂટના આ મુખ્ય રોડ પર સ્ટ્રીટ લાઈટનો પણ ભારે અભાવ છે, જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

મૃતકના પરિવારજનો અને સ્થાનિકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. સુરત મનપાની લાપરવાહી સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા થયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગર સચિવાલય બહાર ખેડૂતોનો હોબાળો: પાક નુકસાન સહાય પ્રતિ હેક્ટર રૂ. ૧ લાખ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું