Lawrence Gang Threatens Canada: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સિન્ડિકેટ દ્વારા કેનેડા સરકાર, સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓને સીધો પડકાર ફેંકતો એક ચોંકાવનારો પત્ર સામે આવ્યો છે. કેનેડાના અગ્રણી મીડિયા હાઉસ CBC ન્યૂઝ દ્વારા બહાર લાવવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, આ ધમકીભર્યો પત્ર ભારતમાંથી કેનેડા સરકારને મોકલવામાં આવ્યો હતો. આ પત્ર સામે આવ્યા બાદ કેનેડાની સુરક્ષા અને તપાસ એજન્સીઓમાં ભારે હડકંપ મચી ગયો છે.

Lawrence Gang Threatens Canada: પત્રમાં કેનેડા સરકાર, પોલીસ અને સેનાને ખુલ્લો પડકાર
કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડની કાર્યવાહી સંબંધિત સત્તાવાર રેકોર્ડ્સમાંથી આ ધમકીનો પર્દાફાશ થયો છે. એડમન્ટન પોલીસ સર્વિસની ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બ્રાન્ચે આ મામલાને પોતાના રેકોર્ડ પર લઈ એબોટ્સફોર્ડ પોલીસને સોંપ્યો છે. પત્રમાં કેનેડાના રક્ષા મંત્રી, સેના અને પોલીસને સંબોધીને અત્યંત ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે:
- 5000 શૂટર્સ હોવાનો દાવો: પત્રમાં જણાવાયું છે કે કેનેડામાં ગેંગ પાસે 5,000થી વધુ સભ્યોની ફોજ છે, જે માત્ર 1000 ડોલર ખાતર કોઈના પર પણ ગોળીબાર કરવા સક્ષમ છે.
- પોલીસ અને આર્મી કરતાં વધુ હથિયારો: કાયદા અમલીકરણ એજન્સીઓને ચેતવણી આપતાં લખવામાં આવ્યું છે કે અમારી પાસે કેનેડિયન પોલીસ કરતાં પણ વધારે આધુનિક હથિયારો છે. જો અમારી બાબતોમાં દખલગીરી કરશો તો બીજા દિવસે પોલીસ સ્ટેશનો પર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવશે. સ્થાનિક હેલ એન્જલ્સ ગેંગ પણ અમારી તાકાત સામે ટકી શકે તેમ નથી.
- વેપારીઓ પાસેથી ફરજિયાત ખંડણી: પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી કેનેડામાં કાર્યરત તમામ ઉદ્યોગપતિઓએ ‘પ્રોટેક્શન મની’ (ખંડણી) આપવી પડશે. આ એક કાયમી ટેક્સ જેવું રહેશે અને વેપારી ભારતીય હોય, શ્વેત હોય કે અશ્વેત—કોઈપણ તેનાથી બચી શકશે નહીં. સાથે જ પત્રમાં શ્વેત સમુદાયને દેશ છોડી દેવાની જાતિવાદી ધમકીઓ પણ આપવામાં આવી છે.

Lawrence Gang Threatens Canada: કેનેડાની એજન્સીઓમાં ફફડાટ અને સઘન તપાસ
લોરેન્સ બિશ્નોઈ 2015થી ભારતીય જેલમાં બંધ હોવા છતાં તેનું આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક કેનેડા, યુએસ અને ખાડી દેશોમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે. એબોટ્સફોર્ડ પોલીસે આ પત્ર મળવાની પુષ્ટિ કરી છે અને હાલમાં કેનેડાભરમાં ચાલી રહેલા વ્યાપક ખંડણી અને ગોળીબારના કેસોની તપાસ કરી રહેલી અન્ય સંઘીય એજન્સીઓ સાથે આ માહિતી શેર કરી છે.
Lawrence Gang Threatens Canada: કેનેડામાં અગાઉ થયેલા હુમલા અને કબૂલાત
કેનેડા પોલીસે તાજેતરના મહિનાઓમાં બનેલી અનેક હિંસક ઘટનાઓને આ ગેંગ સાથે જોડી છે, જેમાં ગેંગ દ્વારા સોશિયલ મીડિયા પર સ્વીકારેલી જવાબદારીઓ સામેલ છે:
- રેસ્ટોરન્ટ્સ પર અંધાધૂંધ ગોળીબાર: સરે શહેરમાં એક ભારતીય મૂળના રેસ્ટોરન્ટ માલિકના 3 થી 4 વ્યાવસાયિક સ્થળો પર શ્રેણીબદ્ધ ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી ગોલ્ડી ઢિલ્લોને લીધી હતી.
- કપિલ શર્માના કેફે પર હુમલો: જાણીતા કોમેડિયન કપિલ શર્માના સરે સ્થિત ‘કેપ્સ કેફે’ પર ત્રણથી વધુ વખત આડેધડ ફાયરિંગ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.
- આંતરિક જૂથ અથડામણ: ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારાએ દુબઈમાં લોરેન્સના નજીકના સાથી જોરા સિદ્ધુની હત્યાની જવાબદારી સ્વીકારી હતી, જે કેનેડામાં વોટ્સએપ આધારિત એક્સટોર્શન રેકેટનું સંચાલન કરતો હતો.
- દક્ષિણ એશિયન પરિવારો ટાર્ગેટ: કેનેડા પોલીસની ‘પ્રોજેક્ટ ગાર્ટર’ તપાસ મુજબ, એડમોન્ટન, કેલગરી અને ઑન્ટારિયોમાં અમીર ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ અને નેતાઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવા અને ફાયરિંગ કરવાના કેસોમાં આ જ સિન્ડિકેટ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે.
આ પત્ર બહાર આવ્યા બાદ કેનેડિયન સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા સ્થાનિક સ્લીપર સેલ અને શૂટરો વિરુદ્ધ ગાળિયો કડક કરવાનું શરૂ કર્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

