HomeSuratSurat Hostel Crisis: સુરતની પી.પી. સવાણી ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ;...

Surat Hostel Crisis: સુરતની પી.પી. સવાણી ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ; 6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, પ્રસાદથી તબિયત લથડ્યાનો સંચાલકોનો બચાવ

Surat Hostel Crisis: સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી જાણીતી પી.પી. સવાણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં શનિવારે મોડી રાત્રે અચાનક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત લથડતાં દોડધામ મચી ગઈ હતી. હોસ્ટેલની મેસમાં શનિવારે રાત્રે પીરસાયેલું ભોજન આરોગ્યા બાદ અંદાજે 80થી 100 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઝાડા, ઉલટી અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે શાળા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક 6 જેટલી બસો ભરીને વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા.

Surat Hostel Crisis

Surat Hostel Crisis: રાત્રિ ભોજન બાદ એકાએક તબિયત બગડી

શનિવારે રાત્રે હોસ્ટેલની મેસમાં પનીર-મટરનું શાક, રોટલી, છાસ અને ફ્રાય રાઇસ (વઘારેલો ભાત) પીરસવામાં આવ્યા હતા. આ ભોજન લીધા બાદ રાત્રે અંદાજે 11:00થી 11:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓમાં વિપરીત અસરો દેખાવા લાગી હતી. એક પછી એક વિદ્યાર્થીઓને ઉલટી-ઉબકા થવા લાગતાં હોસ્ટેલ કેમ્પસમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. મોડી રાત્રે જ સ્ટાફ અને રેક્ટરોની હાજરીમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી પરત હોસ્ટેલ લવાયા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાંબો સમય નિરીક્ષણ હેઠળ રહ્યા હતા.

Surat Hostel Crisis

Surat Hostel Crisis: વાલીઓમાં રોષ અને અયોગ્ય ભોજનના આક્ષેપો

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ચિંતિત વાલીઓ હોસ્ટેલ સંકુલ પર દોડી આવ્યા હતા. હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે 4થી 5 બસો ભરીને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે. તેમની દીકરીએ ઓછું ખાધું હોવાથી રાત્રે બચી ગઈ હતી, પરંતુ સવારે તેને પણ ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, અભ્યાસ પછી પણ થશે પરંતુ બાળકીનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું હોવાથી તેઓ તેને ઘરે લઈ જઈ રહ્યા છે. અનેક વાલીઓએ હોસ્ટેલ મેસમાં નિયમિતપણે અપાતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

Surat Hostel Crisis: સંચાલકોનો લૂલો બચાવ: પ્રસાદ કે બહારના ખોરાક પર ઢોળ્યો દોષ

સંસ્થાના એડમિનિસ્ટ્રેટર સપન શ્રોફે સ્વીકાર્યું હતું કે, કેમ્પસમાં અંદાજે 2,000 વિદ્યાર્થીઓ અને 450 જેટલો સ્ટાફ છે, જેમાંથી લગભગ 80થી 100 વિદ્યાર્થીઓને અસર થઈ હતી. જોકે, તેમણે દાવો કર્યો કે તકેદારીના પગલારૂપે તમામને તાકીદે હોસ્પિટલ લઈ જવાયા હતા અને હવે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

બીજી તરફ, સંસ્થાના શિક્ષક ગૌરવ યાદવે હોસ્ટેલના ભોજનમાં ખામી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેમણે બચાવ કરતાં જણાવ્યું કે હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી અને વિદ્યાર્થીઓ બહાર આવ-જા કરતા હોવાથી, સંભવ છે કે બહારથી લાવેલો પ્રસાદ કે મીઠાઈ ખાવાને લીધે બાળકોની તબિયત લથડી હોય. તેમણે વધુમાં ઉમેર્યું કે સંસ્થા છેલ્લા 20થી વધુ વર્ષોથી ચાલે છે અને અહીં દીકરીઓની પૂરતી કાળજી લેવામાં આવે છે.

Surat Hostel Crisis: ફૂડ સેફ્ટી વિભાગે સેમ્પલ લીધા, શિક્ષણ વિભાગને જાણ

આ ગંભીર બનાવ અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરત મહાનગરપાલિકા (SMC)ની ફૂડ સેફ્ટી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને રસોડાનું નિરીક્ષણ કર્યું હતું. મેસમાંથી પનીરનું શાક, વઘારેલો ભાત, રોટલી અને છાસના નમૂના એકત્ર કરી લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ, આગામી 4થી 5 દિવસમાં લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે કે આ દૂષિત ભોજનની અસર હતી કે અન્ય કોઈ કારણ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ત્રણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો, ગુજરાતમાં ફરી મેઘતાંડવ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments