Tragedy in Mahuva: અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હજુ એક દિવસ પહેલા જ અમરેલીના રાજુલાના કોવાયા ગામે સિંહે એક યુવકનો શિકાર કર્યો હતો, ત્યાં જ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ આવી જ હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. મહુવા નજીક મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહેલા એક ૩૪ વર્ષીય શ્રમિક યુવક પર સિંહે જીવલેણ હુમલો કરી, તેને જંગલ તરફ ખેંચી જઈ ફાડી ખાધો છે. અમરેલીની ઘટનાની જેમ જ અહીં પણ ઝાડીઓમાંથી યુવકનું માત્ર વિકૃત માથું અને અવશેષો જ હાથ લાગ્યા છે.

Tragedy in Mahuva: કામ પરથી પગપાળા ઘરે પરત ફરતા સમયે બન્યો ભોગ
મળતી વિગતો મુજબ, મહુવાના ગઢડા ગામનો વતની નાગજી પ્રેમજીભાઈ ગુજરીયા (ઉં.વ. ૩૪) નામનો યુવાન મજૂરી કામ પૂરું કરીને રાત્રિના સમયે પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પીંગલેશ્વર મહાદેવ જવાના માર્ગ પર અચાનક એક હિંસક સિંહે તેના પર ત્રાટક્યો હતો. સિંહ યુવકને પકડીને રોડ નજીકની ગીચ ઝાડીઓમાં ખેંચી ગયો હતો.
યુવક ગુમ થતાં અને ઘટનાની જાણ થતાં જ ગઢડા ગામના સરપંચ સવજીભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગને તાત્કાલિક જાણ કરાતા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો પણ કામે લાગ્યો હતો. વન વિભાગ અને સ્થાનિકોએ ભેગા મળીને હાથ ધરેલી શોધખોળ દરમિયાન બાવળની ગીચ ઝાડીઓમાંથી મૃતક યુવકના લોહીલુહાણ કપડાં અને શરીરના વિકૃત અવશેષો મળી આવ્યા હતા, જેને જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

Tragedy in Mahuva: “ઘરનો કમાનારો સભ્યો ચાલ્યો ગયો” : પરિવાર પર આભ તૂટ્યું
આ આકસ્મિક ઘટનાથી મૃતક નાગજીભાઈના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતકના મોટાભાઈ શાંતિભાઈએ ભારે હૈયે જણાવ્યું હતું કે:
“મારો ભાઈ નાગજી કામેથી પરત ફરી રહ્યો હતો ત્યારે જાનવર તેને ઝાડીમાં ખેંચી ગયું હતું. અમે બહારગામ હતા ત્યારે ગામમાંથી ફોન આવતા અમે દોડી આવ્યા છીએ. ઘરમાં બે બાળકો અને વૃદ્ધ માતા-પિતા છે. અમારું આખું ઘર મારો ભાઈ નાગજી જ મજૂરી કરીને ચલાવતો હતો. હવે અમારો સહારો છીનવાઈ ગયો છે.”

Tragedy in Mahuva: માનવ-વન્યપ્રાણી સંઘર્ષ વકર્યો: સ્થાનિકોમાં ભારે રોષ
મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના જંગલી જાનવરો આંટાફેરા મારી રહ્યા છે અને તેમના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માનવ વસાહતોની નજીક સિંહોનું વિચરણ વધી ગયું હોવા છતાં વન વિભાગ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી.
ગઢડાની આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે માનવ વસાહત નજીક ફરતા હિંસક સિંહોને તાત્કાલિક પાંજરે પૂરી અહીંથી દૂર ખસેડવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




