Monsoon Fury in Gujarat: ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર પૂરબહારમાં ખીલ્યું છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર હવામાન પ્રણાલીઓને કારણે છેલ્લા ૨૪ કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી જ રાજ્યના ૨૧૩ તાલુકાઓમાં મેઘકૃપા વરસી છે.

Monsoon Fury in Gujarat: મુખ્ય સ્થળોએ વરસાદના આંકડા અને પ્રભાવ
- સુરેન્દ્રનગર જિલ્લો: સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા દરમિયાન સૌથી વધુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ૭ ઇંચ અને વઢવાણમાં ૬.૧૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરના લીલાપુર ગામમાં ઉમઈ નદીના પાણી અને રેલવે અંડરબ્રિજ ડૂબી જવાથી ગામ સંપર્કવિહોણું બન્યું છે.
- દક્ષિણ ગુજરાત અને સુરત: સુરતના અંબિકા તાલુકામાં ૨૨.૨૪ ઇંચ, તાપીના ડોલવણમાં ૧૬.૭૩ ઇંચ અને નવસારીના વાંસદામાં ૧૬.૨૬ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. સુરતનું સણીયા હેમદ ગામ ખાડીના પૂરના કારણે બેટમાં ફેરવાયું છે, જ્યાં ઘરોમાં ૩ થી ૭ ફૂટ પાણી ભરાયા છે. સુરતના ભાટેના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી.
- ઉકાઈ ડેમ અને તાપી નદી: ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમની સપાટી ૩૨૦.૮૨ ફૂટે પહોંચી છે. રાંદેર કોઝવે ભયજનક સપાટી વટાવીને ૭.૯૦ મીટરે પહોંચતા ૧,૧૧,૨૨૩ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી તાપી નદી બંને કાંઠે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે.
- પાટણ અને અન્ય વિસ્તારો: પાટણના સોની વાડા અને ઝવેરી બજારમાં દુકાનો તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ પાટણના રેલવે ગરનાળા પાસે દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. ગોંડલની વાસાવડી નદીમાં પણ ભારે પૂર જોવા મળ્યું છે.

Monsoon Fury in Gujarat: હવામાન વિભાગની ચેતવણી અને આગામી આગાહી
- સક્રિય સિસ્ટમ્સ: હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ ચાર સિસ્ટમ સક્રિય છે.
- રેડ અને ઓરેન્જ એલર્ટ: ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના ૬ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- માછીમારો માટે ચેતવણી: દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા ૨ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશ અપાયો છે અને તમામ બંદરો પર નંબર-૩નું ચેતવણી સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક અત્યંત ભારે રહેવાની સંભાવના છે, જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટવાની શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો