Jamnagar Gets New Landmark: ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગર જામનગરના હૃદયસમા ટાઉનહોલ સર્કલને હવે એક નવો, આધુનિક અને અદભુત શણગાર મળ્યો છે. વિશ્વ વિખ્યાત વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન પ્રોજેક્ટ ‘વનતારા‘ની વિભાવના આધારિત આ સર્કલનું કાયાકલ્પ કરીને તેને ‘વનતારા સર્કલ’ તરીકે અનોખું અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના જાહેર-ખાનગી ભાગીદારી (PPP – પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) પ્રોજેક્ટ અંતર્ગત અત્યંત સુંદર રીતે પુનઃવિકસિત કરવામાં આવેલા આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે શહેરના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
Jamnagar Gets New Landmark: વિશાળ સિંહનું શિલ્પ બન્યું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
આ નવનિર્મિત સર્કલના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવેલું ભવ્ય અને ગૌરવવંતુ સિંહનું વિશાળ શિલ્પ સૌ કોઈ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સિંહની આ જીવંત લાગતી પ્રતિમા ગુજરાતના ગૌરવ અને વન્યજીવ સમૃદ્ધિનું પ્રતીક બનીને ઊભી છે. આ ઉપરાંત સર્કલ પરિસરમાં ગુજરાતના પ્રકૃતિપ્રેમી વાતાવરણને અનુરૂપ સારસ બેલડી, ચિતલ (હરણ) અને વિશાળ અજગર સહિતના વિવિધ વન્યજીવોની કલાત્મક પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. દરેક શિલ્પને અત્યંત કુશળતાપૂર્વક અને ઝીણવટભરી વિગતો સાથે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી જાણે કુદરતી જંગલની વચ્ચે આવી ગયા હોઈએ તેવો સુંદર અનુભવ થાય છે.
Jamnagar Gets New Landmark: હરિયાળી, અદ્યતન લેન્ડસ્કેપિંગ અને કલાત્મક લાઈટિંગ
સર્કલને માત્ર શિલ્પો પૂરતું સીમિત રાખવાને બદલે તેનું સર્વાંગી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. સુંદર લેન્ડસ્કેપિંગ, લીલીછમ હરિયાળી, આકર્ષક ફૂલછોડ અને ખાસ પ્રકારની કલાત્મક લાઈટિંગ ગોઠવવામાં આવી છે. રાત્રિના સમયે લાઇટ્સના ઝળહળાટ વચ્ચે આખું સર્કલ ઝળહળી ઊઠે છે અને તેનો નજારો અત્યંત આહલાદક લાગે છે. વન્યજીવન આધારિત આ અનોખી થીમે સામાન્ય ટ્રાફિક આઇલેન્ડને એક દર્શનીય અને પ્રવાસન સ્થળ જેવું ગૌરવ અપાવ્યું છે.
Jamnagar Gets New Landmark: શહેરીજનોમાં ભારે ઉત્સાહ, ફોટો-વીડિયો માટે ભીડ
લોકાર્પણ થતાંની સાથે જ આ નવનિર્મિત સર્કલને નિહાળવા માટે જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકો, યુવાનો, વડીલો તેમજ પ્રકૃતિપ્રેમીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે સર્કલની મુલાકાતે ઉમટી રહ્યા છે. લોકો અહીં સેલ્ફી લેતા, ફોટોગ્રાફ્સ પડાવતા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી આનંદ માણતા નજરે પડે છે.
Jamnagar Gets New Landmark: જાળવણીની જવાબદારી રિલાયન્સ સંભાળશે
શહેરના પ્રવેશદ્વાર અને મધ્યસ્થ વિસ્તાર જેવા મહત્વના સ્થળે બનેલા આ સર્કલની નિયમિત સુંદરતા અને હરિયાળી જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સર્કલના નિયમિત નિભાવ, છોડ-વૃક્ષોની માવજત અને સમગ્ર સંકુલની યોગ્ય જાળવણીની જવાબદારી રિલાયન્સ દ્વારા સંભાળવામાં આવશે. શહેરના સૌંદર્ય અને ગૌરવમાં અભિવૃદ્ધિ કરતું આ સર્કલ હવે જામનગરની એક નવી અને અનોખી વૈશ્વિક ઓળખ બની રહ્યું છે.
વધુ સમચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં મેઘતાંડવ, ૨૨૫ તાલુકામાં અનરાધાર વરસાદ, બોરસદમાં સૌથી વધુ ૫.૪૩ ઇંચ; ૧૨ જિલ્લામાં રેડ એલર્ટ

