Gujarat Monsoon Alert: રાજ્યમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૪૦ તાલુકાઓમાં ૧ મિમીથી લઈને પોણા પાંચ ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૯ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ અને ૧૭ તાલુકાઓમાં ૨ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં ૪.૪૫ ઈંચ નોંધાયો હતો. ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિઘ્નહર્તાના આગમનની સાથે જ રાજ્યભરમાં મેઘરાજાની સક્રિય હાજરી જોવા મળી રહી છે.

Gujarat Monsoon Alert: વડોદરામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, અમદાવાદમાં અંધારપટ વચ્ચે ઝરમર
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે ભક્તો અને નોકરી-ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના રાવપુરા, મચ્છીપીઠ અને પાણીગેટ જેવા મુખ્ય વિસ્તારો જળમગ્ન બન્યા હતા અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર, સેટેલાઇટ અને ઇસ્કોનમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતાં અંધારપટ છવાઈ ગયો હતો અને ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
Gujarat Monsoon Alert: નવસારીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે નદીઓ ભયજનક સપાટીથી નીચે
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં અવિરત વરસાદથી ખેતીના પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં હર્ષની લાગણી છે. છેલ્લા ૨૪ કલાકમાં વાંસદામાં ૩.૪૫ ઈંચ, નવસારીમાં ૨.૯૧ ઈંચ, જલાલપોરમાં ૨.૫ ઈંચ, ખેરગામમાં ૧.૭૫ ઈંચ અને ચીખલીમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે, ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં જિલ્લાની લોકમાતાઓ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર ઓસરવા લાગ્યું છે. હાલ પૂર્ણા ૧૦ ફૂટ (ભયજનક: ૨૩ ફૂટ), અંબિકા ૧૪.૪૩ ફૂટ (ભયજનક: ૨૮ ફૂટ) અને કાવેરી ૧૧ ફૂટ (ભયજનક: ૧૯ ફૂટ) વહી રહી હોવાથી તંત્ર અને નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Gujarat Monsoon Alert: ૪ સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્રના ૮ જિલ્લામાં એલર્ટ, માછીમારોને સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે ૪ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધ્યું છે. ઓગસ્ટમાં વરસાદની ઘટનો સામનો કરી રહેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ૧૪ સપ્ટેમ્બરે અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય કચ્છ, અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ૧૫ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં યલો એલર્ટ જળવાઈ રહેશે. હવામાન નિયામક એ. કે. દાસે જણાવ્યું હતું કે દરિયાકાંઠે ૬૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ૧૫ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
Gujarat Monsoon Alert: તરણેતરના મેળામાં પાણી ભરાતાં ગ્રામીણ ઓલિમ્પિક રદ, વડાલીમાં દોઢ મહિને વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લીધે વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. ખેલાડીઓ અને મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા પ્રથમ દિવસે યોજાનારી ગ્રામીણ ઓલિમ્પિક, એથ્લેટિક્સ અને દોડ સ્પર્ધાઓ રદ કરવામાં આવી છે. મેદાન સુકાતાં જ આગળની સ્પર્ધાઓ પૂર્વવત્ થશે. સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસતા સુકાતા પાકને મોટો ટેકો મળ્યો છે, જોકે ગણેશ પંડાલોમાં પાણી ભરાવાની શક્યતાને લઈ આયોજકોમાં ચિંતા પણ જોવા મળી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

