Big Relief for Gig Workers: દેશમાં ઝડપથી વિસ્તરી રહેલા ગિગ ઇકોનોમી ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો કામદારોના સામાજિક અને આર્થિક કલ્યાણ માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ અને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડની રચનાનો મુખ્ય ઉદ્દેશ ગિગ કામદારો માટે કલ્યાણકારી યોજનાઓને યોગ્ય દિશા આપવાનો અને તેમની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનો છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 30 ઓક્ટોબરે આપવામાં આવેલી માહિતી મુજબ, આ બોર્ડ વિવિધ વર્ગના કામદારો માટે અમલમાં રહેલી કલ્યાણકારી યોજનાઓની ભલામણ અને સમીક્ષા કરશે. ખાસ કરીને ડિલિવરી કર્મચારીઓ, કેબ ડ્રાઇવરો અને ઓનલાઇન પ્લેટફોર્મ આધારિત સેવાઓ સાથે જોડાયેલા કામદારોને આ પહેલથી લાભ મળવાની શક્યતા છે.
Big Relief for Gig Workers: સરકારી યોજનાઓની દેખરેખ રાખશે બોર્ડ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીની અધ્યક્ષતામાં રચાયેલા આ બોર્ડમાં સરકારના પ્રતિનિધિઓ ઉપરાંત કંપનીઓ, નોકરીદાતાઓ, કામદાર સંગઠનો અને ગિગ કામદારોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી કામદારો, કંપનીઓ અને સરકાર વચ્ચે સંકલન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
બોર્ડ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની દેખરેખ રાખશે. આ ઉપરાંત રાજ્યોમાં કામદારોની નોંધણીની કામગીરી અને કલ્યાણકારી યોજનાઓ માટે ફાળવવામાં આવેલા ભંડોળના ખર્ચની પણ સમીક્ષા કરશે. આમ, યોજનાઓનો અમલ યોગ્ય રીતે થાય અને પાત્ર કામદારો સુધી તેનો લાભ પહોંચે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
Big Relief for Gig Workers: વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ બેઠકો યોજાશે

બોર્ડની કામગીરી નિયમિત અને અસરકારક રહે તે માટે વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ બેઠકો યોજવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બેઠકોમાં ગિગ કામદારોની સામાજિક સુરક્ષા, કલ્યાણકારી યોજનાઓની સ્થિતિ, નોંધણી પ્રક્રિયા અને ભંડોળના ઉપયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
હાલના સમયમાં ઓનલાઇન એપ્લિકેશન અને ડિજિટલ પ્લેટફોર્મ આધારિત રોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ફૂડ ડિલિવરી, ઓનલાઇન સામાનની ડિલિવરી, કેબ સેવા સહિતના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે. આવા કામદારોને પરંપરાગત રોજગાર વ્યવસ્થાથી અલગ પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે તેમના માટે સામાજિક સુરક્ષાની નીતિ ઘડવામાં આ બોર્ડ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પહેલથી ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે કલ્યાણકારી યોજનાઓનું આયોજન, અમલીકરણ અને દેખરેખ વધુ વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ થશે. જોકે, વ્યક્તિગત લાભ અને તેની પાત્રતા સંબંધિત યોજનાઓના નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વગર આરોગ્ય સુરક્ષા, હેમોડાયાલિસિસની અંદાજે 2.80 લાખ સારવાર પણ મંજૂર

