Fight Against Fake Medicines: દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે આગામી 20 મે 2026, બુધવારના રોજ દેશવ્યાપી કેમિસ્ટ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ બંધમાં દેશભરના અંદાજે 12.50 લાખ કેમિસ્ટ અને દવાના વેપારીઓ જોડાશે અને પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરશે.
Fight Against Fake Medicines: બંધ રાખવા પાછળના મુખ્ય કારણો અને વિરોધ
કેમિસ્ટ એસોસિએશનના મતે ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે, જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
- નિયમોનું ઉલ્લંઘન: કાયદાકીય જોગવાઈઓ (GSR 817-E અને GSR 220-E)નો દુરુપયોગ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ડૉક્ટરના યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાઈ રહી છે.
- નકલી અને એક્સપાયરી દવાઓનું જોખમ: બિનનિયમિત ઓનલાઈન સપ્લાય ચેઈનને કારણે દર્દીઓને સસ્તી, નકલી, ભેળસેળયુક્ત કે એક્સપાયરી ડેટની નજીકની દવાઓ મળવાની શક્યતા વધી ગઈ છે.
- ડીપ ડિસ્કાઉન્ટની અસમાન સ્પર્ધા: મોટા કોર્પોરેટ ગૃહો દ્વારા અપાતા ‘ડીપ ડિસ્કાઉન્ટ’ને કારણે સ્થાનિક નાના અને મધ્યમ કક્ષાના કેમિસ્ટના વેપારને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.
એસોસિએશને માગ કરી છે કે આ જોગવાઈઓ પાછી ખેંચીને ઓનલાઈન ફાર્મસીઓ પર પણ કડક અને સમાન નિયંત્રણો લાગુ કરવામાં આવે.
Fight Against Fake Medicines: જનતાને અપીલ: દવાઓ અગાઉથી ખરીદી લેવી
સંગઠને નાગરિકોને થનારી અસુવિધા બદલ ક્ષમાયાચના કરતા અત્યંત નમ્ર અપીલ કરી છે કે, દર્દીઓએ પોતાની જીવનજરૂરી અને નિયમિત લેવાતી દવાઓ 20 મેના બંધ પહેલાં જ અગાઉથી ખરીદી લેવી, જેથી કોઈ અણધારી મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
Fight Against Fake Medicines: ઇમરજન્સી માટે જામનગરમાં આ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે
“ડુપ્લીકેટ દવા સામે લડત–દર્દીઓની સુરક્ષા માટે સંકલ્પ” સાથે યોજાનારી આ હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે જામનગરમાં વિશેષ ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી 20 મેના રોજ નીચે મુજબની હોસ્પિટલ ફાર્મસીઓ અને મેડિકલ સ્ટોર્સ ચોવીસ કલાક કાર્યરત રહેશે:
- સોહમ મેડિકલ – સમર્પણ હોસ્પિટલ
- ઓશવાલ હોસ્પિટલ ફાર્મસી – દિગ્વિજય પ્લોટ
- રીયા મેડિસિન – જે.સી.સી. હોસ્પિટલ (જોલી બંગલો)
- યુનિક મેડિકલ – યુનિક હોસ્પિટલ (એસ.ટી. બસ સ્ટેન્ડ સામે)
- રીમ મેડિકલ – રીમ હોસ્પિટલ (વાલકેશ્વરી નગરી)
- જનતા મેડિકલ સ્ટોર્સ – જી.જી. હોસ્પિટલ
- શાલિગ્રામ મેડિકલ – શાલિગ્રામ હોસ્પિટલ (ગ્રીન સિટી)
વિશેષ નોંધ: આ ઉપરાંત શહેરના તમામ આઈ.સી.યુ. (ICU) યુનિટ મેડિકલ સ્ટોર્સ તેમજ તાલુકા મથકો પર પણ દર્દીઓની સુવિધા માટે એક-એક મેડિકલ સ્ટોર ઇમરજન્સી સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
જામનગરમાં મિલકત વિવાદમાં વકીલ મામા પર સગી બહેન અને ભાણેજનો હુમલાનો પ્રયાસ, જાનથી મારી નાખવાની ધમકી




