IPL 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31મી મેના રોજ યોજાનારી IPL 2026ની મહાફાઇનલ મેચ પહેલાં ટિકિટોનું કાળાબજાર (બ્લેક માર્કેટિંગ) કરતા બે અલગ-અલગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 5 શખસોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ઊંચા ભાવે વેચવા માટે રાખેલી ફાઇનલ મેચની મોંઘી ટિકિટો તેમજ સ્માર્ટફોન જપ્ત કર્યા છે.

IPL 2026: ચાંદખેડા પોલીસે ન્યૂ CG રોડ પરથી 3 યુવાનોને દબોચ્યા
ચાંદખેડા પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે ન્યૂ CG રોડ પર દરોડો પાડીને મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રહેતા 21 વર્ષીય ઇશાન ભટ્ટ અને 21 વર્ષીય નિર્મલકુમારની અટકાયત કરવામાં આવી હતી.
- ₹3500ની ટિકિટના ₹15000! પોલીસે જ્યારે તેમની તપાસ કરી તો તેમની પાસેથી IPL ફાઇનલની ટિકિટો મળી આવી હતી. આ ટિકિટોની મૂળ કિંમત ₹3500 હતી, પરંતુ તેઓ ક્રિકેટ રસિકો પાસેથી પ્રતિ ટિકિટ ₹15,000 (ચાર ગણો વધુ ભાવ) વસૂલી રહ્યા હતા.
- બાપુનગરની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ પકડાયો: પૂછપરછમાં સામે આવ્યું કે આ ટિકિટો તેમને બાપુનગરની હોટલમાં રોકાયેલા ઋષભ ચંદ્ર દર્લેશા જૈન નામના યુવકે આપી હતી. પોલીસે ઋષભની પણ ધરપકડ કરી લીધી છે, જેણે કમિશનની લાલચ આપીને આ યુવકોને ટિકિટો વેચવા આપી હતી.
IPL 2026: સિંધુ ભવન રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે 2 શખસોને પકડ્યા
બીજી તરફ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિંધુ ભવન રોડ પરથી ટિકિટોનું કાળાબજાર કરતા બોડકદેવના 19 વર્ષીય માન પટેલ અને ગોમતીપુરના સફીક ઉર્ફે બન્ની મોહમ્મદ અયુબ અંસારીને ઝડપી લીધા હતા.
- આરોપીઓ પાસેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બ્લોક Fની ₹3500ની કિંમતની કુલ 4 ટિકિટો જપ્ત કરાઈ છે, જે તેઓ ગ્રાહકોને ₹10,000માં વેચવાનો પ્રયાસ કરતા હતા.
- આરોપીઓએ અગાઉથી જ ઓનલાઇન ટિકિટો બુક કરાવી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ટિકિટો ઉપરાંત ₹1.25 લાખની કિંમતના બે સ્માર્ટફોન પણ જપ્ત કર્યા છે.
IPL 2026: પોલીસની કડક કાર્યવાહી અને તપાસ
ઝડપાયેલા પાંચેય આરોપીઓ સામે ગુજરાત પોલીસ કાયદાની જોગવાઈઓ હેઠળ અનધિકૃત વેચાણ અને નફાખોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ આરોપીઓ પાછળ કોઈ મોટું સંગઠિત નેટવર્ક કે ગેંગ કામ કરી રહી છે કે કેમ. 31 મેના રોજ યોજાનારી ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસે લોખંડી બંદોબસ્ત અને કડક નજર ગોઠવી દીધી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




