RCB Rules Ahmedabad Again: આઈપીએલ ૨૦૨૬ (IPL-2026)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં RCBએ હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીત સાથે જ RCB ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પછી પોતાની ટ્રોફી સફળતાપૂર્વક ડિફેન્ડ કરનારી આઈપીએલ ઇતિહાસની ત્રીજી ટીમ બની ગઈ છે.
RCBની આ ઐતિહાસિક જીતના હીરો વિરાટ કોહલી રહ્યા હતા, જેમણે અણનમ 75 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને આસાન જીત અપાવી હતી.
RCB Rules Ahmedabad Again: કોહલીની ફાસ્ટેસ્ટ ફિફ્ટી અને રાસિખની ધારદાર બોલિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આ મહામુકાબલામાં બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. RCBના બોલર્સે આ નિર્ણયને સાચો ઠેરવતા ગુજરાતના બેટર્સને મોટો સ્કોર કરતા રોક્યા હતા. 156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી RCB તરફથી વિરાટ કોહલીએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. કોહલીએ માત્ર અણનમ 75 રન જ ના બનાવ્યા, પરંતુ પોતાના આઈપીએલ કરિયરની સૌથી ઝડપી (ફાસ્ટેસ્ટ) ફિફ્ટી પણ ફટકારી હતી. RCBએ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 161 રન બનાવી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.
અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ (12) અને સાઈ સુદર્શન (10) સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મધ્યક્રમમાં પણ નિશાંત સિંધુ (20), જોસ બટલર (19), અરશદ ખાન (15) અને રાહુલ તેવતિયા (7) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે એક છેડો સાચવી રાખીને અણનમ 50 રનની લડાયક ઇનિંગ રમી, જેના કારણે ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
RCB તરફથી બોલિંગમાં રાસિખ સલામે તરખાટ મચાવતા સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અનુભવી ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડને 2-2 સફળતા મળી હતી.
RCB Rules Ahmedabad Again: વૈભવ સૂર્યવંશીના માથે સજશે ‘ઓરેન્જ કેપ’
આ સીઝનમાં રનનો પહાડ બનાવનાર વૈભવ સૂર્યવંશીને ઓરેન્જ કેપ મળવાનું લગભગ નક્કી થઈ ગયું છે. વૈભવે આ સીઝનની 16 મેચમાં સૌથી વધુ 776 રન બનાવ્યા છે. રેસમાં બીજા ક્રમે ગુજરાતના શુભમન ગિલ (732 રન) અને ત્રીજા ક્રમે સાઈ સુદર્શન (722 રન) છે, પરંતુ બંને ફાઇનલમાં આઉટ થઈ ચૂક્યા હોવાથી વૈભવને પાછળ છોડી શક્યા નથી. હવે માત્ર વિરાટ કોહલી (600 રન) જ એક એવા બેટર બાકી છે જે રમી રહ્યા છે, પરંતુ વૈભવથી આગળ નીકળવા માટે તેમણે 177 રન કરવા પડે જે અશક્ય છે.
RCB Rules Ahmedabad Again: બંને ટીમની પ્લેઇંગ-11 આ મુજબ હતી:
| રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) | ગુજરાત ટાઇટન્સ (GT) |
| વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (wk), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ પ્લેયર: વેંકટેશ અય્યર | સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (wk), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર |
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




