Bihar Temple Stampede: શ્રાવણના પવિત્ર સોમવારે બિહારના લખીસરાયમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અશોક ધામ મંદિરમાં ભગવાન શિવના જળાભિષેક માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મંદિર તરફ જવાના રસ્તા પર અચાનક નાસભાગ મચી જતાં 7 મહિલાઓનાં મોત થયા છે, જ્યારે 23 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાંથી 3 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેમને વધુ સારવાર માટે PMCH રેફર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Bihar Temple Stampede: થાંભલો પડતાં અફવા ફેલાઈ, ભીડમાં અચાનક દોડધામ

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના અશોક ધામ સ્ટેશનથી મંદિર તરફ જવાના માર્ગ પર બની હતી. લખીસરાયના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો હતો. ત્યારબાદ ભીડમાં એવી અફવા ફેલાઈ કે લોકો પર વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે.
જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ જે વાયર પડ્યો હતો તે વીજળીની હાઈવોલ્ટેજ લાઇન નહીં પરંતુ ડિશ અથવા ઈન્ટરનેટ માટેનો કેબલ વાયર હતો. તેમ છતાં કરંટ લાગવાની અફવાને કારણે ભીડમાં ગભરાટ ફેલાયો હતો. પુરુષોની લાઇન તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન તરફ વધ્યું હતું. જેના કારણે સ્થિતિ કાબૂ બહાર ગઈ અને અનેક શ્રદ્ધાળુઓ એકબીજા સાથે અથડાઈને નીચે પડી ગયા હતા.
Bihar Temple Stampede: 7 મહિલાઓનાં મોત, 23 લોકો ઘાયલ

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મહિલાઓનાં મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ઘાયલોની સંખ્યા વધીને 23 થઈ છે. તેમાંથી 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે પટનાની PMCH હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
મૃતકોમાંથી ચારની ઓળખ થઈ હોવાનું જણાવાયું છે. તેમાં લખીસરાયની મધુબાલા દેવી, મનમાલા દેવી, હેમલતા દેવી અને મુંગેરની રિંકુ દેવીનો સમાવેશ થાય છે. અન્ય મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Bihar Temple Stampede: શ્રાવણ સોમવારે હજારો ભક્તો ઉમટ્યા હતા
શ્રાવણના સોમવારને કારણે અશોક ધામ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ભગવાન શિવને જળાભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં લોકો એકસાથે મંદિર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક બનેલી ઘટનાએ પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી હતી.
ઘટના બાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા ઘાયલોની સારવાર માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દોષિતો સામે કાર્યવાહી થશે: મંત્રી કેદાર ગુપ્તા
બિહારના મંત્રી કેદાર ગુપ્તાએ અશોક ધામ મંદિરની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ દરમિયાન જે કોઈની બેદરકારી કે જવાબદારી સામે આવશે, તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ દુર્ઘટનાએ શ્રાવણના પવિત્ર સોમવારે મંદિર પરિસરમાં ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થતા ધાર્મિક સ્થળોએ આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વધુ સઘન વ્યવસ્થા કરવાની જરૂરિયાત પણ સામે આવી છે.
આ પણ વાંચો :શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો મહાસાગર, સોમનાથથી ગોંડલ સુધી ‘હર હર મહાદેવ’ના નાદ

