Flydubai Cockpit Crisis: ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કોકપિટની અંદર બનેલી ગંભીર ઘટનામાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત અને પ્રસંગાવધાન બતાવ્યું હતું. ફ્લાઇટમાં 174 લોકો સવાર હતા. કોકપિટમાં થયેલા હુમલા દરમિયાન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેના કારણે મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી. બાદમાં વિમાનનું સાઉદી અરેબિયાના તાબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
Flydubai Cockpit Crisis: CM ભૂપેન્દ્ર પટેલે કરી બહાદુરીની પ્રશંસા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી છે. તેમણે સ્મિતના સાહસ અને મુસાફરોના જીવ બચાવવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી તથા તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
Flydubai Cockpit Crisis: ગંભીર ઈજા છતાં ન હારી હિંમત
અહેવાલો અનુસાર, કોકપિટમાં હુમલા દરમિયાન કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમ છતાં તેમણે પરિસ્થિતિનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો. આ પગલાથી બહાર રહેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને અંદર પહોંચીને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી. વિમાનમાં હાજર અન્ય પાઇલટ્સે ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે તાબુક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
Flydubai Cockpit Crisis: PM મોદીએ પણ ગણાવ્યા ‘હીરો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હતી. PM મોદીએ જણાવ્યું કે ગંભીર ઈજાઓ વચ્ચે પણ સ્મિતે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ હિંમત અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો. બાદમાં મોદીએ સ્મિતની પત્ની અને માતા-પિતા સાથે પણ ફોન પર વાત કરી અને ભારતીય મિશન તરફથી શક્ય તમામ મદદનો વિશ્વાસ આપ્યો
તાબુકની હોસ્પિટલમાં સારવાર ચાલુ
કેપ્ટન સ્મિત મચ્છર હાલમાં સાઉદી અરેબિયાના તાબુકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું ભારતીય અધિકારીઓ તથા મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. ઘટનામાં સામેલ ઓમાની કો-પાઇલટને સાઉદી સત્તાવાળાઓએ કસ્ટડીમાં લીધો છે અને ઘટનાના હેતુ અંગે તપાસ ચાલી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 1 ઓક્ટોબરથી બદલાયા અનેક નિયમો: LPG, ATM અને UPIના નિયમોમાં ફેરફાર

