Earthshot Prize in Mumbai: બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની પ્રિન્સેસ કેટ મિડલટન ત્રણ દિવસની ભારત મુલાકાતે સોમવારે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં બંનેનું સ્વાગત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રિન્સ વિલિયમ અને કેટએ બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ગલી ક્રિકેટ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેએ સચિન તેંડુલકર સાથે પણ મુલાકાત કરી હતી.
Earthshot Prize in Mumbai: મુંબઈમાં મેટ્રો મુસાફરી અને હોસ્પિટલની મુલાકાત

મુંબઈમાં બંને પોતાના પ્રવાસ દરમિયાન શહેરની મેટ્રોમાં મુસાફરી કરશે. જ્યારે કેટ મિડલટન એક હોસ્પિટલની મુલાકાત લેશે. બંને મુંબઈના લોકો સાથે મુલાકાત કરીને પર્યાવરણ સંરક્ષણ અને નવી ટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની માહિતી મેળવશે. આ ઉપરાંત તેઓ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે પણ સંવાદ કરશે.
Earthshot Prize in Mumbai: અર્થશૉટ પ્રાઇઝ સમારોહમાં લેશે ભાગ

પ્રિન્સ વિલિયમે આશરે છ વર્ષ પહેલાં પર્યાવરણની સમસ્યાઓના નવા ઉકેલો શોધનારા લોકો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવા અર્થશૉટ પ્રાઇઝની શરૂઆત કરી હતી. દર વર્ષે પાંચ વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે અને દરેકને 10 લાખ પાઉન્ડ એટલે કે આશરે 11 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ વર્ષે 17 નવેમ્બરે મુંબઈમાં આ પુરસ્કારનો છઠ્ઠો સમારોહ યોજાશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન હશે. આ માટે ભારતનાં 24 રાજ્યોની 15 હજાર શાળાઓ સુધી કાર્યક્રમ પહોંચાડવામાં આવ્યો છે.
Earthshot Prize in Mumbai: પ્રથમ વખત બાળકો માટે ચિલ્ડ્રન્સ અર્થશૉટ એવોર્ડ

આ વર્ષે પ્રથમ વખત 9થી 17 વર્ષનાં બાળકો માટે ચિલ્ડ્રન્સ અર્થશૉટ એવોર્ડનું આયોજન કરવામાં આવશે. તેમાં પર્યાવરણની સમસ્યાઓના ઉકેલો શોધનારા બાળકોના વિચારો અને પ્રયાસોને સન્માનિત કરવામાં આવશે. બાળકોને તેમની આસપાસની પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના ઉકેલો તૈયાર કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
Earthshot Prize in Mumbai: સચિન, આલિયા અને શ્રેયા ઘોષાલ પણ જોડાશે
અર્થશૉટ પ્રાઇઝની એવોર્ડ નાઇટમાં ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રામી મલેક સહિતની જાણીતી હસ્તીઓ ભાગ લેશે. ફિલ્મમેકર કરણ જોહર કાર્યક્રમનું સંચાલન કરશે. ગાયિકા શ્રેયા ઘોષાલ બ્રિટિશ બેન્ડ ટેક ધેટ સાથે રજૂઆત કરશે. આ ઉપરાંત મુંબઈની સંગીતકાર મર્લિન ડીસૂઝાના નેતૃત્વમાં અર્થશૉટ ઓર્કેસ્ટ્રા અને ભારતનું પ્રથમ ઓલ-ફીમેલ હિપ-હોપ ગ્રુપ વાઇલ્ડ વાઇલ્ડ વુમન પણ પરફોર્મ કરશે.

Earthshot Prize in Mumbai: ભારતમાંથી સૌથી વધુ વિજેતા અને ફાઇનલિસ્ટ
અર્થશૉટ પ્રાઇઝ અનુસાર, અત્યાર સુધીમાં ભારતમાંથી સૌથી વધુ વિજેતા અને ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર આબોહવા પરિવર્તન, કચરો, વાયુ પ્રદૂષણ, મહાસાગરોનું સંરક્ષણ તેમજ વૃક્ષો, છોડ અને જીવજંતુઓને બચાવવા માટેના નવીન ઉકેલો માટે આપવામાં આવે છે. આ વર્ષે ભારતની મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી પણ ફાઇનલિસ્ટમાં સામેલ છે, જે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર બનાવે છે.
Earthshot Prize in Mumbai: 18 નવેમ્બરે PM મોદી સાથે મુલાકાત

મુંબઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન 18 નવેમ્બરે દિલ્હી જશે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટિશ હાઈ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને દેશોના લોકો વચ્ચેના જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક છે. ભારત અને બ્રિટન ટેક્નોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યા છે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરારથી વેપારની નવી તકો ઊભી થવાની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા, બિનહરીફ પસંદગી સાથે બીજા કાર્યકાળની શરૂઆત

