Stem Cell Research: ડાયાબિટીસના દર્દીઓમાં પગ પર થતા ઘા એટલે કે ડાયાબિટીક ફૂટ અલ્સરની સારવારને લઈને સ્ટેમ સેલ થેરાપીના અભ્યાસમાં આશાસ્પદ સંકેતો સામે આવ્યા છે. લાંબા સમય સુધી ન રૂઝાતા ઘાની સમસ્યાથી પરેશાન દર્દીઓ માટે આ સંશોધન નવી આશા જગાવી શકે છે. નિકારાગુઆમાં વેક ફોરેસ્ટના સંશોધકો સાથે હાથ ધરવામાં આવેલા આ પ્રારંભિક અભ્યાસમાં કુલ 10 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસ દરમિયાન સ્ટેમ સેલ આધારિત પ્રાયોગિક સારવાર બાદ છ મહિનાના સમયગાળામાં તમામ 10 દર્દીઓના ઘા બંધ થયાનું નોંધાયું હતું. આ ઉપરાંત સારવારની સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે 12 મહિના સુધી દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સારવાર સાથે જોડાયેલી કોઈ ગંભીર આડઅસર નોંધાઈ નહોતી.
Stem Cell Research: નાના અભ્યાસમાં આશાસ્પદ પરિણામ

ડાયાબિટીસના કારણે પગમાં લોહીનું પરિભ્રમણ અને ઘા રૂઝાવવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પરિણામે કેટલાક દર્દીઓમાં ઘા લાંબા સમય સુધી ખુલ્લા રહે છે. આવા દર્દીઓ માટે સ્ટેમ સેલ થેરાપી અંગેના પ્રારંભિક પરિણામો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
Stem Cell Research: હજુ મોટા સંશોધનની જરૂર

જોકે આ અભ્યાસનાં પરિણામો આશાસ્પદ છે, પરંતુ તેમાં દર્દીઓની સંખ્યા માત્ર 10 હોવાથી સારવારની અસરકારકતા અંગે અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી. સારવારની વાસ્તવિક અસર જાણવા માટે મોટા પાયે નિયંત્રિત અભ્યાસ અને લાંબા ગાળાના ફોલોઅપની જરૂર રહેશે. હાલ આ થેરાપી પ્રાયોગિક તબક્કામાં છે અને તેના વ્યાપક ઉપયોગ પહેલાં વધુ વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા, વી. સોમન્નાએ સ્થળ પર જઈ પ્રગતિનું નિરીક્ષણ કર્યું

