Surat Rain Fury: દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે નદી-નાળાઓ અને ખાડીઓ છલકાઈ ગઈ છે. સુરત જિલ્લાના અરેઠના બૌધાન ગામેથી પસાર થતી વાવ્યા ખાડીમાં ઘોડાપૂર આવતા એક મોટો અકસ્માત ટળ્યો છે, પરંતુ વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે. ખાડીના ધસમસતા પ્રવાહમાં તણાઈને ડાઇવર્ઝન રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે નેશનલ હાઈવે અને બારડોલી મુખ્ય મથકને જોડતો આ માર્ગ બંધ થઈ ગયો છે.
Surat Rain Fury: હાઈ બેરલ બ્રીજની કામગીરી ચાલુ હોવાથી બનાવ્યો હતો ડાઇવર્ઝન
મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણા સમયથી બૌધાન ગામે વાવ્યા ખાડી પર હાઈ બેરલ બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે વાહનચાલકોની અવરજવર માટે વહીવટી તંત્ર દ્વારા ડામરનો એક કામચલાઉ ડાઇવર્ઝન માર્ગ બનાવવામાં આવ્યો હતો. જોકે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને આ ધસમસતા પ્રવાહ સામે ડામરનો રોડ ટકી શક્યો ન હતો.
Surat Rain Fury: ૩ તાલુકાનો સીધો સંપર્ક તૂટ્યો, ૨૫ કિમીનો ફેરાવો ફરવાની નોબત

આ મુખ્ય માર્ગ ધોવાઈ જવાને કારણે બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાને જોડતો મુખ્ય વાહનવ્યવહારનો સીધો સંપર્ક એકાએક બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક ગ્રામજનો અને નોકરીયાત વર્ગ તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવે લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અંદાજે ૨૫ કિલોમીટર જેટલો લાંબો ફેરાવો ફરવાની નોબત આવી છે.
Surat Rain Fury: શું કહે છે સ્થાનિકો?

ઘલા ગામના સ્થાનિક રહીશ પ્રગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, “બ્રીજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી આ ડાઇવર્ઝન બનાવાયો હતો, જે પાણીમાં વહી ગયો છે. હવે અમારે બારડોલી કે માંડવી જવા માટે ૨૫ કિમી વધારે કાપવા પડશે. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે.”
હાલમાં તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે માર્ગ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને પાણી ઓસર્યા બાદ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વૈશ્વિક યુદ્ધો વચ્ચે પણ ભારત સુરક્ષિત, પીએમ મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું કર્યું ઉદ્ઘાટન; કહ્યું- ’40 દેશોમાંથી તેલ લાવી દેશને ઊર્જા સંકટમાંથી બહાર કાઢ્યો’




