HomeGujaratSurat news: સુરત મનપામાં ACBની સર્જિકલ સ્ટ્રાઈક: 15 લાખના તોડમાં પત્રકાર 4...

Surat news: સુરત મનપામાં ACBની સર્જિકલ સ્ટ્રાઈક: 15 લાખના તોડમાં પત્રકાર 4 લાખ લઈ ફરાર, ક્લાસ-1 અધિકારી વિપુલ ગણેશવાલા વિરુદ્ધ ગુનો દાખલ

Surat news: હીરા અને ટેક્સટાઈલ સિટી સુરતમાં ભ્રષ્ટાચારનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે વહીવટી તંત્ર અને પત્રકારત્વ જગત એમ બંનેને શર્મસાર કર્યા છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર (Class-1) વિપુલ ગણેશવાલા અને તેમના ‘વહીવટદાર’ ગણાતા કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે ‘પરવાના’ એ લાંચના કૌભાંડમાં એસીબીના સકંજામાં આવ્યા છે. જોકે, ટ્રેપ દરમિયાન પત્રકાર રૂ. 4 લાખની રોકડ લઈને ફિલ્મી ઢબે ફરાર થઈ જતા એસીબીએ હવે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Surat news: શું હતી સમગ્ર ઘટના?

Surat news

ઘટનાની વિગતો મુજબ, લિંબાયત વિસ્તારમાં સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 પર થયેલા બાંધકામ મુદ્દે મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. અગાઉ થયેલા ડિમોલિશન બાદ બાકીનું બાંધકામ ન તોડવાના બદલામાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા વતી પત્રકાર પરવાના પઠાણે ફરિયાદી પાસે રૂ. 21 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ આ સોદો રૂ. 15 લાખમાં નક્કી થયો હતો.

Surat news: અખબારની ઓફિસ બની લાંચનો અડ્ડો

આશ્ચર્યની વાત એ છે કે, જે ઓફિસમાંથી અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હોય, તે ‘નિષ્પક્ષ ગુજરાત પત્રિકા’ અખબારની ઓફિસમાં જ લાંચનો વહીવટ ગોઠવવામાં આવ્યો હતો. 19 ફેબ્રુઆરીના રોજ પ્રથમ હપ્તા પેટે રૂ. 4 લાખ આપવાનું નક્કી થતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી જ્યારે રકમ લઈને પત્રકારની ઓફિસે પહોંચ્યા, ત્યારે પરવાના પઠાણે રકમ સ્વીકારી હતી. પરંતુ કંઈક અજુગતું લાગતા તે એસીબીના જવાનોને થાપ આપીને લાંચની રકમ સાથે ફરાર થઈ ગયો હતો.

Surat news: ભાજપના પૂર્વ કોર્પોરેટરની સનસનીખેજ પોસ્ટ

આ ઘટના બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય પાટીલે ફેસબુક પર પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, “કરેલા કર્મોનું ફળ અહીં જ ભોગવવું પડે છે.” તેમણે આક્ષેપ કર્યો કે આ પત્રકાર અને ઇજનેરની જોડીએ તેમને પણ નથી છોડ્યા. તેમનું G+1નું બાંધકામ તોડી પડાયું હતું, જ્યારે આજે ત્યાં જ મિલીભગતથી G+3 ની બિલ્ડિંગ ઊભી કરી દેવામાં આવી છે. અધિકારીઓના ત્રાસને કારણે તેમણે પોતાની મિલકત પણ વેચવી પડી હતી.

Surat news

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

  • પરવાના પઠાણ: સફેદ ફોર્ચ્યુનરમાં ફરતો આ કથિત પત્રકાર લિંબાયત વિસ્તારમાં માથાભારે છાપ ધરાવે છે. તેની સામે ખંડણી અને ધમકીના ત્રણ ગુના નોંધાયેલા છે. તે અગાઉ પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ચૂક્યો છે અને તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી પણ થઈ છે. તે સોશિયલ મીડિયા પર દાન અને સેવાના નામે ‘રીલ્સ’ બનાવી પોતાની ગુનાહિત છાપ છુપાવવાનો પ્રયાસ કરતો હતો.
  • વિપુલ ગણેશવાલા: લિંબાયત ઝોનમાં અઢી વર્ષથી કાર્યરત ગણેશવાલાનો ઇતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. કતારગામ ઝોનમાં પણ તેમની સામે અનેક ફરિયાદો ઉઠી હતી. ઓક્ટોબર 2025માં બિલ્ડરોએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પણ તેમની ભ્રષ્ટ નીતિઓ સામે લેખિત ફરિયાદ કરી હતી.

ACBની કડક કાર્યવાહી

ACBના નિયામક દ્વારા હવે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી છે. એસીબી હવે એ તપાસ કરી રહી છે કે આ ‘તોડ’ બટાયેલા નાણાંમાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે. હાલમાં બંને આરોપીઓ ફરાર હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :કપરાડાના ‘ડેથ ઝોન’ કુંભઘાટ પર કાળમુખો અકસ્માત, ઈકો કારનો કચડઘાણ નીકળતા એક જ પરિવારના 5નાં મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments