Cyber Fraud Alert: લગ્નની મોસમમાં હવે સાયબર ઠગોએ લોકોની લાગણી અને ઉત્સાહનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં છેતરપિંડીનો એક એવો નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર એક ‘ડિજિટલ વેડિંગ કાર્ડ’ પર ક્લિક કરતા જ લોકોના મોબાઈલ હેક થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં એક ડઝનથી વધુ લોકો આ ઠગાઈનો શિકાર બન્યા છે અને અનેકના બેંક ખાતામાંથી નાણાં સાફ થઈ ગયા છે.
Cyber Fraud Alert: કેવી રીતે થાય છે આ ઠગાઈ?
સાયબર ગુનેગારો વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી લગ્નનું આમંત્રણ (Digital Wedding Invitation) મોકલે છે. આ આમંત્રણ કોઈ ફોટો કે પીડીએફ (PDF) ફાઇલ સ્વરૂપે નહીં, પરંતુ APK ફાઇલ (દા.ત. Wedding_Card.apk) તરીકે હોય છે. જેવું કોઈ વ્યક્તિ આ ફાઇલ પર ક્લિક કરે છે, કે તરત જ તેના મોબાઈલમાં એક મેલવેર (વાયરસ) ઇન્સ્ટોલ થઈ જાય છે. આ વાયરસ મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી દે છે, જેનાથી તેઓ તમારા મેસેજ, ઓટીપી (OTP) અને બેંકિંગ વિગતો ચોરી લે છે.
Cyber Fraud Alert: મોટા નેતાઓ અને પ્રોફેશનલ પણ બન્યા શિકાર
ઇન્દોરમાં એક મોટા નેતાનો ફોન પણ આ રીતે હેક થયો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, એક પ્રોફેશનલ ફોટોગ્રાફરે જેવું કાર્ડ પર ક્લિક કર્યું, તેમનો ફોન તરત જ હેક થઈ ગયો હતો. પીડિતના જણાવ્યા મુજબ, ફોન રીકવર કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, અગાઉ પણ મેચની ટિકિટના નામે આવી જ રીતે ૧૫ લાખથી વધુની છેતરપિંડી થઈ ચૂકી છે.
Cyber Fraud Alert: ક્રાઈમ બ્રાન્ચની એડવાઈઝરી: આટલું ખાસ ધ્યાન રાખજો
એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરતા નીચે મુજબની સાવચેતી રાખવા જણાવ્યું છે:
- APK ફાઇલથી બચો: જો કોઈ ફાઇલના અંતમાં .apk લખેલું હોય, તો તેને ભૂલથી પણ ડાઉનલોડ કે ઓપન કરશો નહીં.
- અજાણ્યા લિંક્સ: વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
- ચકાસણી કરો: જો કોઈ ઓળખીતાના નંબર પરથી પણ આવી ફાઇલ આવે, તો પહેલા તેમને ફોન કરીને ખાતરી કરો કે તેમણે ખરેખર કંઈ મોકલ્યું છે કે નહીં. ઘણીવાર હેક થયેલા મોબાઈલમાંથી આપોઆપ અન્ય લોકોને આવા મેસેજ જતા હોય છે.
સાયબર નિષ્ણાતોના મતે, હંમેશા ઓફિશિયલ એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ અને મોબાઈલમાં અજાણી ફાઇલ્સ ઇન્સ્ટોલ કરવાની પરમિશન આપવી જોઈએ નહીં.
આ પણ વાંચો :આસામના CMના કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ: ‘ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ, પત્નીએ ગુપ્ત માહિતી લીક કરી’,




