CBSE Controversy: CBSE પરિણામોમાં મોટો ગરબડ-ઘોટાળો, વિવાદ વકરતા ચેરમેન અને સચિવની હકાલપટ્ટી, ટેન્ડર પ્રક્રિયાની તપાસના આદેશ

0
226
CBSE Controversy
CBSE Controversy

CBSE Controversy: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આ વર્ષે ધોરણ ૧૨ના પરિણામોમાં અપનાવવામાં આવેલી ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) પ્રણાલી મોટો વિવાદ બનીને સામે આવી છે. વિદ્યાર્થીઓના ભારે હોબાળા અને ગેરરીતિની વ્યાપક ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં ભરતા CBSEના ચેરમેન અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે. આ સાથે જ OSM સર્વિસના ટેન્ડર અને ખરીદ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે.

બીજી તરફ, મંગળવારે બોર્ડના રી-ઇવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) પોર્ટલ પર મોટો સાયબર હુમલો પણ થયો હતો. જોકે, આ હુમલા છતાં પોર્ટલ કાર્યરત રહ્યું હતું.

CBSE Controversy

CBSE Controversy: ૨ મિનિટમાં ૧૫ લાખ સાયબર એટેક, છતાં પોર્ટલ કાર્યરત

લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મંગળવારે જ્યારે રી-ઇવેલ્યુએશન પોર્ટલ લાઈવ કરવામાં આવ્યું, ત્યારે તેના પર મોટો સાયબર હુમલો થયો હતો. CBSEના જણાવ્યા અનુસાર, માત્ર ૨ મિનિટમાં ૧૫ લાખ જેટલા એક્સેસ અટેમ્પ્ટ (પોર્ટલ ખોલવાના પ્રયાસો) નોંધાયા હતા, જ્યારે ૧ લાખથી વધુ વખત સિસ્ટમની ફાઇલો સુધી પરવાનગી વિના પહોંચવાનો (હેકિંગનો) પ્રયાસ થયો હતો. આ ટેકનિકલ અવરોધ છતાં સિસ્ટમ ચાલુ રહી હતી અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ રી-ઇવેલ્યુએશન માટે સફળતાપૂર્વક અરજી કરી દીધી છે. આ પોર્ટલ હવે ૬ જૂન સુધી ખુલ્લું રહેશે.

CBSE Controversy: બે વિદ્યાર્થીઓએ પર્દાફાશ કર્યો: સોશિયલ મીડિયા પર ‘દેશદ્રોહી’ કહ્યા, બાદમાં બોર્ડે માફી માંગી

આ સમગ્ર કૌભાંડ અને ટેકનિકલ ખામીઓને સામે લાવવામાં બે વિદ્યાર્થીઓએ ‘વ્હિસલ બ્લોઅર’ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી છે:

  • વેદાંત શ્રીવાસ્તવ (દિલ્હી): ફિઝિક્સમાં ધાર્યા કરતાં ઓછા (૬૫ માર્ક્સ) મળતાં વેદાંતે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે રીવેલ્યુએશનમાં કોપી મળી ત્યારે ગડબડીની પાકી ખબર પડી. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે તેને ‘દેશદ્રોહી’ પણ કહ્યો, પરંતુ આખરે બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી તેની માફી માંગવી પડી હતી.
  • સાર્થક સિદ્ધાંત (રાંચી): ૧૭ વર્ષના ટેક રિસર્ચર સાર્થકે કોઈ ડેટા સાયન્ટિસ્ટ કે તપાસ પત્રકારની જેમ કામ કર્યું. તેણે CBSEના છેલ્લા ૫૭૬ દસ્તાવેજોનો ઊંડો અભ્યાસ કરીને ટેન્ડર પ્રક્રિયાની ગેરરીતિઓ શોધી કાઢી. મંગળવારે સાર્થક સંસદની સ્થાયી સમિતિ (શિક્ષણ, મહિલા, બાળ અને રમતગમત બાબતો) સમક્ષ હાજર થયો હતો અને OSM સિસ્ટમની ૧૫ મોટી ખામીઓમાંથી મુખ્ય મુદ્દાઓ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા.
CBSE Controversy

CBSE Controversy: બ્લેકલિસ્ટ થવા યોગ્ય કંપનીને ટેન્ડર આપવાનો આરોપ

શિક્ષણ મંત્રાલયે હવે CBSE પાસે ‘કોએમ્પ્ટ’ (COEMPT) કંપનીને ટેન્ડર આપવા અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. હૈદરાબાદ સ્થિત આ કંપની (જે ૨૦૧૯માં ગ્લોબરેના ટેકનોલોજીસ તરીકે ઓળખાતી હતી)નો ટ્રેક રેકોર્ડ પહેલેથી જ ખરાબ રહ્યો છે. ૨૦૧૯માં તેલંગાણા બોર્ડની પરીક્ષામાં ડેટા પ્રોસેસિંગની આવી જ ગંભીર ભૂલોને કારણે ૯.૭૪ લાખમાંથી ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા હતા. આ વિવાદાસ્પદ બેકગ્રાઉન્ડ હોવા છતાં દેશની સૌથી મોટી બોર્ડ પરીક્ષાનું ટેન્ડર તેને કેવી રીતે મળ્યું, તે તપાસનો મોટો વિષય બન્યો છે.

CBSE Controversy: ૧૩ મે થી ૨ જૂન સુધી શું-શું થયું? (સમયરેખા)

  • ૧૩ મે: CBSE એ ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કર્યું. પ્રથમ વખત કમ્પ્યુટર સ્ક્રીન (OSM) પર કોપીઓ તપાસાઈ હતી.
  • ૧૯ મે: ફરિયાદોના નિવારણ માટે પોર્ટલ ખુલતાની સાથે જ પહેલા જ દિવસે ક્રેશ થઈ ગયું.
  • ૨૨ મે: આન્સરશીટની ફોટોકોપી મેળવવાની તારીખ ત્રણ વખત એક-એક દિવસ માટે લંબાવવી પડી.
  • ૨૫ મે: પોર્ટલની ખામીઓ સુધારવા દેશની બે પ્રતિષ્ઠિત IITsની મદદ લેવામાં આવી.
  • ૧ જૂન: રીવેલ્યુએશન સાથે જોડાયેલું પોર્ટલ આખો દિવસ ઠપ રહ્યું.
  • ૨ જૂન: સરકારે ચેરમેન-સચિવને હટાવ્યા, પોર્ટલ લાઈવ થયું અને સાયબર એટેક છતાં અરજીઓ શરૂ થઈ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારમાં મંગળમય તેજી સેન્સેક્સ ૩૮૩ પોઈન્ટ ઉછળી ૭૪,૬૫૦ પર બંધ, નિફ્ટી ૨૩,૪૫૦ની નજીક