Border Belt Devastated: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈ મોડી રાત્રે બનાસકાંઠાના સરહદી પંથક એવા વાવ, થરાદ અને ભાભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે વાવાઝોડા અને કડાકા-ભડાકા સાથે ખાબકેલા વરસાદે સમગ્ર પંથકમાં ભારે તબાહી મચાવી છે. કુદરતી આફતની આ વિપરીત પરિસ્થિતિમાં અલગ-અલગ ત્રણ કમનસીબ દુર્ઘટનાઓમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે પશુધન અને માલસામાનને પણ મોટા પાયે નુકસાન થતાં સમગ્ર પંથકમાં અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

Border Belt Devastated: વાવના માડકા ગામે પશુઓનો શેડ માથે પડતાં આધેડનું મોત
વાવ તાલુકાના માડકા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા ૪૨ વર્ષીય ભગવાનભાઈ નાગજીભાઈ પટેલ ગઈ રાત્રે પોતાના પશુઓના શેડ પાસે હાજર હતા. તે દરમિયાન અચાનક ફૂંકાયેલા અતિ તેજ પવનના કારણે પશુઓનો આખો લોખંડનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં લોખંડનો ભારે એન્ગલ ભગવાનભાઈના માથાના ભાગે વાગતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પરિવારના મોભીના આવા આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Border Belt Devastated: થરાદના જામપુરમાં આકાશી વીજળી ત્રાટકી: મહિલા અને ભેંસનું મોત
બીજી તરફ, થરાદ પંથકના જામપુર ગામે પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. ભારે ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદ દરમિયાન ધનીબેન ડાયાભાઈ કટારીયા નામની મહિલા પર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ જ આકાશી વીજળીની ચપેટમાં આવી જતાં ખેતરમાં બાંધેલી એક ભેંસનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Border Belt Devastated: ભાભર પંથકમાં પણ વીજળીએ લીધો ભોગ
આ કુદરતી આફતની અસર ભાભર તાલુકામાં પણ જોવા મળી હતી. વાતાવરણના ભયાનક પલટા અને ભારે ગાજવીજ વચ્ચે ભાભર તાલુકામાં પણ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં એક અજાણ્યા માજીનું કમનસીબ મોત નીપજ્યું છે. આમ, સરહદી પંથકમાં એક જ રાતમાં ત્રણ-ત્રણ માનવ જિંદગી હોમાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
Border Belt Devastated: પતરાં ઉડ્યા, વૃક્ષો ધરાશાયી: સરકારી સર્વે અને વળતરની માંગ
ભારે વાવાઝોડાના કારણે સરહદી પંથકમાં અનેક સ્થળોએ મકાનો અને દુકાનોના પતરાના શેડ હવામાં ઉડી ગયા હતા અને અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયાના અહેવાલો મળી રહ્યા છે.
એક જ રાતમાં માનવજીવન, પશુધન અને માલસામાનની મોટી હાનિ થતાં સ્થાનિક રહીશોમાં દુઃખની લાગણી છે. જાગૃત નાગરિકો અને અસરગ્રસ્તો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નુકસાન પામેલા વિસ્તારોનો સર્વે કરવામાં આવે અને તમામ મૃતકોના પરિવારો તેમજ નુકસાન વેઠનારા લોકોને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




