Big Trouble for Anurag Kashyap: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપ કાનૂની મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર બ્રહ્મસમાજ વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે સુરતની કોર્ટે તેમની સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈ ફિલ્મમેકર વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે.

Big Trouble for Anurag Kashyap: કોર્ટે આ ગંભીર કલમો હેઠળ કેસ ચલાવવાનો આપ્યો આદેશ
સુરતના જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અક્ષયકુમાર એસ. જાનીએ રેકોર્ડ પરના પુરાવા અને કાનૂની પાસાંઓને ધ્યાને રાખીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમો હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે:
- કલમ ૧૯૬: કોમી વૈમનસ્ય કે દુશ્મનાવટ ફેલાવવી.
- કલમ ૩૫૨: શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ઇરાદાપૂર્વક અપમાન કરવું.
- કલમ ૩૫૩(૨): જાહેર શાંતિ જોખમાય તેવા નિવેદનો કે અફવાઓ ફેલાવવી.
Big Trouble for Anurag Kashyap: શું હતો સમગ્ર વિવાદ?
ફરિયાદ અનુસાર, ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ એક હિન્દી ફિલ્મના ટ્રેલર રીલિઝ બાદ બ્રહ્મસમાજના લોકોએ તેના કેટલાક દ્રશ્યો સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના પ્રત્યાઘાત રૂપે અનુરાગ કશ્યપે પોતાના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી સમગ્ર બ્રહ્મસમાજને લાંછન લાગે અને સમાજમાં કોમી શાંતિ જોખમાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર આ પોસ્ટનો વિરોધ કરનારા યુઝર્સને ગાળો ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ પણ છે. આ મુદ્દે સુરતના સામાજિક કાર્યકર કમલેશ રાવલે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
Big Trouble for Anurag Kashyap: માફી માગ્યા બાદ પણ કાનૂની ગાળિયો કસાયો
વિવાદ વકર્યા બાદ ફિલ્મમેકરે સોશિયલ મીડિયા પર પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી હતી. જોકે, ફરિયાદી કમલેશ રાવલ દ્વારા ઇમેઇલ મારફતે કાનૂની નોટિસ મોકલવામાં આવી હોવા છતાં અનુરાગ કશ્યપ હાજર થયા નહોતા કે કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નહોતો.
અંતે, સુરત કોર્ટે ફરિયાદીનું સત્તાવાર નિવેદન લીધા બાદ અને રજૂ કરાયેલા તમામ ડિજિટલ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને દિગ્દર્શક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની સમન્સ અને વોરંટની પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને પગલે બોલિવૂડ જગતમાં પણ ભારે ચર્ચા જાગી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




