Bhavnagar Tragedy: ઘોઘા તાલુકાના ઉખરલા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં ગંભીર ઘટના બની હતી. વાડીમાં 11 લોકો ભેગા થયા હતા અને જુગાર રમતા હોવાની ચર્ચા વચ્ચે અચાનક ભાગવાની બૂમ પડતાં ચાર લોકો દોડ્યા હતા. આ દરમિયાન ચાર પૈકી ત્રણ લોકો કૂવામાં ખાબકતાં તેમના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ કૂવા પાસે લટકી જતાં તેનો જીવ બચી ગયો હતો. મૃતકોમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ સિંધાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં સર ટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
Bhavnagar Tragedy: વાડીમાંથી એક બાદ એક ત્રણ લાશ મળી

વરતેજ પોલીસના PSIના જણાવ્યા મુજબ, સવારે એક વાડીમાં લાશ પડી હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન વાડીમાંથી એક બાદ એક ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટના અંગે પરિવારજનો દ્વારા પોલીસ રેડના આક્ષેપ કરવામાં આવ્યા છે. મૃતક અજીતસિંહના પરિવારજનોના જણાવ્યા મુજબ, વાડીમાં જુગાર ચાલી રહ્યો હતો અને પોલીસ રેડ પાડવા આવી હોવાના કારણે કેટલાક લોકો ભાગ્યા હતા. જોકે, વરતેજ પોલીસના PSIએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હોવાની કોઈ બાબત હાલની તપાસમાં સામે આવી નથી. વાડીમાં લોકો શા માટે ભેગા થયા હતા તે પણ તપાસનો વિષય હોવાનું પોલીસે જણાવ્યું છે.
Bhavnagar Tragedy: પરિવારજનોનો સવાલ : ‘પોલીસે રેડ નથી કરી તો કોણ આવ્યું?’

મૃતક અજીતસિંહના ભાઈ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, સવારે તેમની બહેનનો ફોન આવ્યો હતો કે અજીતસિંહ હજુ ઘરે આવ્યા નથી. ત્યારબાદ તેમણે ઉખરલામાં પરિવારજનોને ફોન કરીને તપાસ કરાવી હતી. ત્યાંથી જાણવા મળ્યું કે વાડીમાં જુગાર ચાલી રહ્યો હતો અને પોલીસ રેડ પાડવા આવી હતી. આ દરમિયાન ત્રણ લોકો કૂવામાં ખાબક્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જગદીશભાઈના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે એક વ્યક્તિ કૂવા પાસે લટકીને બચી ગયો હતો. તેના કહેવા પ્રમાણે પોલીસવાળા આવ્યા હોવાની વાત સામે આવી હતી. હવે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ન હોવાનું કહેવામાં આવતા પરિવારજનો સવાલ કરી રહ્યા છે કે જો પોલીસ ત્યાં આવી નહોતી તો ચાર લોકો અચાનક દોડ્યા શા માટે અને કોણ ત્યાં આવ્યું હતું?
Bhavnagar Tragedy: વાડી માલિક સહિત 8 લોકોની પૂછપરછ

સમગ્ર ઘટનાને લઈને વરતેજ પોલીસે તપાસ તેજ કરી છે. વાડીના માલિક મહાવીરસિંહ વજેસિંહ ગોહિલને વધુ પૂછપરછ માટે ASP કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ASP ઘનશ્યામ ગૌતમ દ્વારા વાડી માલિકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઘટના સમયે વાડીમાં હાજર 11 લોકો પૈકી 8 લોકોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે લોકોનાં નિવેદનો લેવામાં આવી રહ્યા છે. વાડીમાં લોકો શા માટે ભેગા થયા હતા, ખરેખર જુગાર રમાતો હતો કે કેમ, ભાગવાની બૂમ કોણે પાડી અને ચાર લોકો દોડ્યા બાદ ત્રણ લોકો કયા સંજોગોમાં કૂવામાં પડ્યા તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. ત્રણ લોકોના મોત બાદ પરિવારજનોના આક્ષેપો અને પોલીસના નિવેદન વચ્ચે હવે તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની બાળકીનું મોત

