Ahmedabad Commuters Hit Hard: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના પગલે વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી (CNG) ગેસના ભાવમાં પણ મોટો વધારો ઝીંકી દેવાતા તેની સીધી અસર અમદાવાદના જાહેર પરિવહન પર પડી છે. શહેરમાં ઓટો રિક્ષાની મુસાફરી ૧૫થી ૨૦ ટકા જેટલી મોંઘી બની ગઈ છે, જ્યારે ઓનલાઈન ટેક્સી કંપનીઓએ પણ રાઈડ્સના ભાવ વધારી દીધા છે.

Ahmedabad Commuters Hit Hard: બે મહિનામાં બે વાર વધારો: CNG ₹૮૬ને પાર
વર્ષની શરૂઆતમાં અમદાવાદમાં સીએનજીનો ભાવ ₹૮૨ પ્રતિ કિલો હતો. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં ઉપરાઉપરી બે વખત ભાવવધારો ઝીંકાતા હાલ સીએનજીનો ભાવ કિલોદીઠ ₹૮૬થી પણ વધુ થઈ ગયો છે. ગેસ મોંઘો થતાં જ રીક્ષાચાલકો અને ટેક્સી ચાલકોએ ભાડા વધારી દીધા છે.
Ahmedabad Commuters Hit Hard: સામાન્ય જનતાના ખિસ્સા પર કેવી પડી અસર?
- રિક્ષા ભાડામાં ૧૫થી ૨૦% વધારો: મહિના અગાઉ જે ટૂંકા અંતર માટે મુસાફરો ₹૩૦ ભાડું ચૂકવતા હતા, તેના માટે હવે ₹૩૫થી ₹૪૦ વસૂલવામાં આવી રહ્યા છે.
- ઓનલાઈન ટેક્સી પણ મોંઘી: એપ આધારિત ઓનલાઈન ટેક્સી બૂકિંગ કંપનીઓએ પણ પ્રતિ રાઈડ ₹૫થી ₹૧૦નો વધારો કરી દીધો છે.
- બજેટ ખોરવાયું: આ ભાવવધારાને કારણે રોજિંદી મુસાફરી કરતા નોકરિયાતો, મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. અન્ય કોઈ સસ્તો વિકલ્પ ન હોવાથી નાછૂટકે જનતાએ વધુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે.
Ahmedabad Commuters Hit Hard: સરકાર સત્તાવાર ભાડું વધારે તેવી રિક્ષા એસોસિએશનની માંગ
ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, નિયમ પ્રમાણે વાહનવ્યવહાર વિભાગે દર વર્ષે રિક્ષા ભાડાનો રિવ્યુ કરવાનો હોય છે, પરંતુ વર્ષ ૨૦૨૨ બાદ ભાડામાં કોઈ સત્તાવાર સુધારો કરાયો નથી.
સામે પક્ષે સીએનજી ગેસ, રિક્ષાના સ્પેરપાર્ટ્સ, ટાયર અને પાર્સિંગ/ફિટનેસ ફી ખૂબ વધી ગઈ છે, જેના કારણે અમદાવાદના અંદાજે અઢી લાખ (૨,૫૦,૦૦૦) રિક્ષાચાલકો માટે રોજીરોટી કમાવવી મુશ્કેલ બની છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં સત્તાવાર રીતે કોઈ ભાડા વધારો મંજૂર થયો નથી, પરંતુ તેઓ ટૂંક સમયમાં જ ભાડું વધારવા સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




