Bhavnagar Liquor Tragedy: ભાવનગરમાં નકલી દારૂ પીવાના આક્ષેપ વચ્ચે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 17 જેટલા લોકો સારવાર હેઠળ છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકારે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી છે. પોલીસ દ્વારા નકલી દારૂના સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા શખસો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ ભાવનગર લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. જેમાંથી 15 પેટી પોલીસે ઝડપી પાડી છે, જ્યારે બાકીની 13 પેટી શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. ભાવનગરના ભરતનગર, અકવાડા, તળાજા રોડ સહિત ઘોઘા તાલુકાના ખરકડી અને આસપાસના ગામોમાં કેટલાક લોકો બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવી છે.
Bhavnagar Liquor Tragedy:ચાર મોત, બે કેસ શંકાસ્પદ

આ ઘટનામાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ યાદવ અને કનકસિંહ ગોહિલનાં મોત થયાં છે. જોકે, તમામ મોત નકલી દારૂના સેવનથી જ થયાં છે કે કેમ તે અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. બે મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યાં છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે, જ્યારે અન્ય મૃતકના પરિવારજનોએ નકલી દારૂ પીવાથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
ઘોઘાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે સાત મિત્રોએ દારૂ પાર્ટી કરી હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું હતું. અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ના વેચાણ સાથે સંકળાયેલા ચાર શંકાસ્પદ બુટલેગરોને ડિટેઈન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
Bhavnagar Liquor Tragedy:અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક

18 ઓગસ્ટની મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, આઈબીના વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ભાવનગરના એસપીને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
હાલમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, બિમ્સમાં 1 અને વેદ ICUમાં 2 દર્દી સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે. દારૂના સેવન સાથે સંકળાયેલા દર્દીઓ માટે અલગ મેડિકલ ટીમ ફાળવવાની અને આવા કેસ માટે ડેડિકેટેડ સ્ટાફ રાખવાની સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જેમણે શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય અને કોઈપણ પ્રકારની તબિયતની તકલીફ જણાય તો સમય બગાડ્યા વિના નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી. સમગ્ર મામલે નકલી દારૂ ક્યાંથી આવ્યો, કોને સપ્લાય થયો અને તેના કારણે કેટલા લોકો અસરગ્રસ્ત થયા તેની તપાસ હવે SMC અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :ST બસમાં અપડાઉન કરતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, પાસના નિયમોમાં મોટો ફેરફાર

