Bhavnagar Hooch Case: ભાવનગર જિલ્લામાં કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. જ્યારે 21થી વધુ લોકોની તબિયત લથડતાં તેમને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગંભીર બનેલી આ ઘટનાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી છે અને સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે.
Bhavnagar Hooch Case: રોયલ સ્ટેગની ખાલી બોટલોમાં ઝેરી પ્રવાહી
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બુટલેગરો દ્વારા રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણાં અને સ્ટીકરો મેળવી તેમાં કેમિકલયુક્ત પ્રવાહી ભરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઝેરી અસરગ્રસ્ત દર્દીઓના લોહી અને યુરિનના સેમ્પલમાં ઘાતક મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. સેમ્પલમાં આશરે 38.59 ટકા મિથેનોલ જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94 ટકા હોવાનું જાણવા મળ્યું છે.
Bhavnagar Hooch Case: અમદાવાદથી કેમિકલ, ઉજ્જૈનથી ‘ડોક્ટર’
પોલીસ તપાસ મુજબ વરતેજ વિસ્તારમાં નકલી દારૂ તૈયાર કરવા માટે અમદાવાદના સરખેજમાંથી કેમિકલ, ખાલી બોટલો, ઢાંકણાં અને સ્ટીકરો મંગાવવામાં આવ્યા હતા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ‘ડોક્ટર’ નામના વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે નરેન્દ્રસિંહે પોતે પણ તૈયાર કરાયેલો ઝેરી દારૂ પીધો હતો. ત્યારબાદ તેની તબિયત લથડી હતી અને 18 ઓગસ્ટે તેનું મોત થયું હતું.
આ સમગ્ર કૌભાંડમાં પ્રથમ તબક્કે આશરે 51 પેટી નકલી દારૂ તૈયાર કરી અલગ-અલગ બુટલેગરો મારફતે ગામડાઓમાં પહોંચાડવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Bhavnagar Hooch Case: પોલીસકર્મીની પાર્ટી બાદ ભાંડો ફૂટ્યો
ઘટનાનો ભાંડો એક પોલીસકર્મીની પાર્ટી બાદ ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. 18 ઓગસ્ટે ખરકડી ગામે પોલીસ ભરતીમાં પસંદગી પામેલા વિજયરાજસિંહ ગોહિલે મિત્રો માટે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં રોયલ સ્ટેગનો દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત કેટલાક યુવકોની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહનું મોત થતાં સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

Bhavnagar Hooch Case: 21 આરોપીઓ સામે ગુનો, પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
વરતેજ પોલીસે આ સમગ્ર મામલે 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ગૌતમ સોલંકી, રઈસ સહિતના આરોપીઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. બીજી તરફ ફરજમાં બેદરકારી બદલ વરતેજ પોલીસ મથકના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરથી SMCના એસપી મયૂર ચાવડા સહિતની ટીમ ભાવનગર પહોંચી છે અને આઈજી જે. રાજુ અન્સારી સાથે મળીને સમગ્ર નેટવર્કને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે કેમિકલ ક્યાંથી આવ્યું, કેટલો જથ્થો તૈયાર થયો અને કેટલા લોકોને સપ્લાય કરવામાં આવ્યો તેની પણ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં અગાઉ પણ અનેક લઠ્ઠાકાંડ બની ચૂક્યા છે. 2009ના અમદાવાદ લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોનાં મોત થયા હતા, જ્યારે 2022ના બોટાદ કેમિકલકાંડમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે ભાવનગરની ઘટનાએ ફરી એક વખત ગુજરાતમાં દારૂબંધીના અમલ અને ગેરકાયદે કેમિકલયુક્ત દારૂના નેટવર્ક સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો :પાકિસ્તાન સામે ભારતની ધમાકેદાર જીત, ટોપ-8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી

