9 Days, 9 Looks: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહેતા જ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત ગુજરાતના મોટા શહેરોના બજારોમાં નવરાત્રિની ખરીદીનો માહોલ જામ્યો છે. યુવતીઓ અને મહિલાઓ ચણિયાચોળી, જ્વેલરી, મોજડી સહિતની ગરબા લુક સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી કરી રહી છે. બજારમાં હાલમાં ₹2,000થી લઈને ₹10,000 સુધીની વિવિધ રેન્જની ચણિયાચોળી ઉપલબ્ધ છે.
આ વર્ષે ઝમકુડી પેટર્ન, કચ્છી વર્ક, રજવાડી પ્રિન્ટ, મલ્ટી-કલર ફ્લેર્ડ અને ફુલ ઘેરવાળી ચણિયાચોળી ખાસ ટ્રેન્ડમાં છે. તેની સાથે ઓક્સિડાઇઝ્ડ નેકલેસ, મોટા ઝુમખા, કડા, કમરપટ્ટા, મિરર-વર્ક અને થ્રેડ-વર્કવાળી જ્વેલરીની પણ ભારે માંગ જોવા મળી રહી છે.
9 Days, 9 Looks: 9 દિવસ માટે રેન્ટલ પેકેજનો નવો ટ્રેન્ડ

નવરાત્રિના નવ દિવસ અલગ-અલગ લુકમાં ગરબા રમવાનો ટ્રેન્ડ યુવતીઓમાં વધી રહ્યો છે. જેના કારણે ચણિયાચોળી રેન્ટ પર લેવાનો વિકલ્પ પણ લોકપ્રિય બની રહ્યો છે. કેટલાક બજારોમાં 9 દિવસના સ્પેશિયલ રેન્ટલ પેકેજ આશરે ₹7,500 સુધીના ઉપલબ્ધ છે, જેમાં ચણિયાચોળી સાથે મેચિંગ એક્સેસરીઝ અને મોજડી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
9 Days, 9 Looks: અમદાવાદમાં સિમ્પલથી હેવી ડિઝાઇન સુધીની માંગ
અમદાવાદના લો ગાર્ડન, નેહરુનગર, લાલ દરવાજા, ભદ્રકાળી અને રતનપોળ સહિતના વિસ્તારોમાં ખરીદી માટે લોકોની અવરજવર વધી છે. ગ્રાહકો પોતાના બજેટ પ્રમાણે સિમ્પલ ડિઝાઇનથી લઈને હેવી વર્ક અને કેન-કેન ફ્લેરવાળી ચણિયાચોળી પસંદ કરી રહ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ આભલા વર્ક, કચ્છી વર્ક, રજવાડી પ્રિન્ટ અને હેવી બોર્ડરવાળી ચણિયાચોળીનું આ વર્ષે ખાસ આકર્ષણ છે. અમદાવાદમાં ચણિયાચોળીની કિંમત આશરે ₹2,000થી ₹10,000 સુધી જોવા મળી રહી છે.

9 Days, 9 Looks: રાજકોટમાં ઘેરવાળી ચોળી અને રેન્ટલ કલેક્શનનો ક્રેઝ
રાજકોટમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા યુવતીઓમાં સ્પેગેટી ચોળી અને ઘેરવાળી ચોળીની માંગ વધી છે. અહીં એક દિવસ ઉપરાંત 3 દિવસ, 5 દિવસ અને 9 દિવસ માટેના રેન્ટલ પેકેજનું પણ બુકિંગ થઈ રહ્યું છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હેન્ડવર્ક, સ્ટોન વર્ક, આભલા અને મિરર વર્કવાળી ચોળીઓ સાથે હળવા વજનની સિમ્પલ ડિઝાઇનને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સુરતમાં ઝમકુડી, અજરખ અને રિયલ મિરર વર્કની બોલબાલા

સુરતના અડાજણ અને આનંદમહલ રોડ વિસ્તારમાં ચણિયાચોળી અને પરંપરાગત આભૂષણોના સ્ટોલ્સ સજાઈ ગયા છે. સુરતમાં આ વખતે ઝમકુડી પેટર્ન ઝડપથી વેચાઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
કચ્છી અજરખ અને રિયલ મિરર વર્ક ઉપરાંત ધાબુ કોટન, રોમન સિલ્ક, રિયોન અને સાઉથ કોટન ફેબ્રિકની ચણિયાચોળી પણ પસંદ કરવામાં આવી રહી છે. સુરતમાં ટૂ-પીસ ચણિયાચોળીની શરૂઆત આશરે ₹1,200થી થઈને પ્રીમિયમ ક્વોલિટી માટે ₹2,500થી ₹3,000 સુધીની રેન્જ જોવા મળી રહી છે.
વડોદરામાં ભાવ વધ્યા, છતાં નવરાત્રિ નજીક ખરીદી વધવાની આશા

વડોદરાના નવા બજાર સહિતના વિસ્તારોમાં પણ ચણિયાચોળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલ અને મટિરિયલના ભાવમાં આશરે 20થી 25 ટકાનો વધારો થયો છે. જેના કારણે ચણિયાચોળીના ભાવ પર પણ અસર પડી છે.
મલ્ટી-કલર, કચ્છી વર્ક, જયપુરી પ્રિન્ટ અને દામન પ્રિન્ટ જેવી નવી વેરાયટી બજારમાં જોવા મળી રહી છે. જોકે ઊંચા ભાવને કારણે કેટલાક ગ્રાહકો સસ્તા વિકલ્પો શોધી રહ્યા છે. વેપારીઓને નવરાત્રિ નજીક આવતા બજારમાં વધુ તેજી આવવાની આશા છે.
જ્વેલરીમાં પણ મેચિંગ લુકનો ટ્રેન્ડ

ચણિયાચોળીની સાથે મેચિંગ જ્વેલરી ખરીદવાનો ટ્રેન્ડ પણ આ વર્ષે ખાસ જોવા મળી રહ્યો છે. મોટા ઝુમખા, ઓક્સિડાઇઝ્ડ નેકલેસ, કડા, કમરપટ્ટા, મિરર અને થ્રેડ વર્કવાળી જ્વેલરી યુવતીઓની પસંદ બની છે. સાથે ટ્રેડિશનલ મોજડી અને અન્ય એક્સેસરીઝ પણ ગરબા લુકને પૂર્ણ કરવા માટે ખરીદાઈ રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: QR કોડથી Fake CAPTCHA સુધી, AIના યુગમાં સાયબર હુમલાનો નવો ખતરો

