Asian Games 2026: જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને 37-34થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં સતત પાંચમી વખત મેડલ જીત્યો છે.
Asian Games 2026: છેલ્લી મિનિટે રોમાંચક મુકાબલો

ભારત અને ઈરાન વચ્ચેની ગોલ્ડ મેડલ મેચ શરૂઆતથી જ કાંટાની ટક્કર બની રહી હતી. ભારતે અંતિમ તબક્કામાં પોતાની ડિફેન્સ મજબૂત રાખી અને ઈરાનને વાપસી કરવાની તક આપી નહોતી. અંતે ભારતે 37-34થી મુકાબલો જીતીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. આ જીત સાથે ભારતે મહિલા કબડ્ડીમાં પોતાનું ટાઇટલ ડિફેન્સ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
મહિલા કબડ્ડીની ટીમે આ પહેલાં ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશને 42-21, ઈરાનને 37-23 અને જાપાનને 50-25થી હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતે નેપાળને 48-24થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
Asian Games 2026: અનાહત સિંહે રચ્યો ઇતિહાસ
સ્ક્વોશમાં ભારત માટે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ છે. અનાહત સિંહે જાપાનની વર્લ્ડ નંબર-6 સાતોમી વતનાબે સામે 0-2થી પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરી અને 3-2થી જીત મેળવીને મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો.
આ સાથે અનાહત સિંહ એશિયન ગેમ્સના મહિલા સિંગલ્સ સ્ક્વોશની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની છે. વિશ્વ રેન્કિંગમાં 17મા સ્થાને રહેલી અનાહતે દબાણ વચ્ચે મેચ પલટીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી.
Asian Games 2026: અભય સિંહ પણ ફાઇનલમાં

પુરુષ સિંગલ્સ સ્ક્વોશમાં પણ ભારત માટે ગોલ્ડની આશા જીવંત છે. અભય સિંહે સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. એટલે હવે સ્ક્વોશની મહિલા અને પુરુષ બંને સિંગલ્સમાં ભારત પાસે ગોલ્ડ જીતવાની તક છે.
Asian Games 2026: સાવન બરવાલે મેરેથોનમાં સિલ્વર જીત્યો

એથ્લેટિક્સમાં સાવન બરવાલે પુરુષ મેરેથોનમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડનો સમય નોંધાવ્યો, જે નવો નેશનલ રેકોર્ડ બન્યો છે. આ પ્રદર્શનથી ભારતના મેડલ ખાતામાં વધુ એક મોટો ઉમેરો થયો છે.
Asian Games 2026: શૂટિંગમાં પણ સિલ્વર

મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની ટીમ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ટીમમાં આશી ચોકસે, તિલોત્તમા સેન અને વિદાર્શા વિનોદનો સમાવેશ હતો. ચીને ગોલ્ડ જ્યારે કઝાકિસ્તાને બ્રોન્ઝ મેડલ જીત્યો.
જોશના ચિનપ્પા-વેલાવનને બ્રોન્ઝ
સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં જોશના ચિનપ્પા અને વેલાવન સેંથિલકુમારે સેમિફાઇનલમાં હાર બાદ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતીય જોડીને હોંગકોંગની ટૅંગ મિંગ હોંગ અને લી કા યી સામે 1-2થી પરાજય મળ્યો હતો.

ભારતના મેડલ અભિયાનને વધુ વેગ
નાગોયા એશિયન ગેમ્સમાં ભારતનું મેડલ અભિયાન સતત આગળ વધી રહ્યું છે. મહિલા કબડ્ડીના ગોલ્ડ, સ્ક્વોશમાં બે ફાઇનલ એન્ટ્રી, મેરેથોનના સિલ્વર અને અન્ય ઇવેન્ટ્સના મેડલ સાથે ભારત માટે સાતમો દિવસ ખાસ રહ્યો છે. ભારતની નજર હવે પુરુષ કબડ્ડીની ફાઇનલ પર પણ છે, જે આજે ઈરાન સામે રમાવાની છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: UNમાં પાકિસ્તાનને ભારતનો આકરો જવાબ, કોણ છે પેટલ ગેહલોત? શહબાઝ શરીફના ભાષણ બાદ ભારત તરફથી ‘Right of Reply’, આતંકવાદ અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના દાવાઓનો જવાબ

