Ambaji Shakti Corridor: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતા મંદિરને ગબ્બર પર્વત સાથે જોડતા મહત્વાકાંક્ષી ‘શક્તિ કોરિડોર’ પ્રોજેક્ટ સામેનો કાનૂની અવરોધ હવે દૂર થયો છે. ગુજરાત હાઈકોર્ટે જમીન વિવાદ મામલે રાજ્ય સરકારને મોટી રાહત આપતા અંબાજી કેળવણી મંડળ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દીધી છે.
જસ્ટિસ નિરલ આર. મહેતાની બેન્ચે બનાસકાંઠા કલેક્ટરના જમીન પરત લેવાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. કેળવણી મંડળ દ્વારા વિવાદિત જમીનનો ઉપયોગ કન્યાશાળા અને રમતના મેદાન માટે થતો હોવાની દલીલ કરવામાં આવી હતી.
Ambaji Shakti Corridor: સરકારની દલીલને હાઈકોર્ટની મંજૂરી

રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે વિવાદિત જમીન મૂળ સરકારી માલિકીની છે અને અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર જેવા વિશાળ જનહિતના પ્રોજેક્ટ માટે જમીનની જરૂરિયાત હોવાથી કાયદેસરની પ્રક્રિયા હેઠળ તેનો કબજો પરત લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે સરકારની રજૂઆતોને માન્ય રાખીને કેળવણી મંડળની અરજીઓ ફગાવી દીધી છે.
Ambaji Shakti Corridor: રૂ. 1,632 કરોડના પ્રોજેક્ટને મળશે વેગ

આ ચુકાદાથી અંબાજી મંદિરથી ગબ્બર સુધીના કોરિડોરના વિકાસનો માર્ગ વધુ સરળ બન્યો છે. રૂ. 1,632 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત વિશાળ શક્તિપથ, યાત્રિક આવાસ, મલ્ટીલેવલ પાર્કિંગ, અંડરપાસ, પ્લાઝા સહિતની આધુનિક સુવિધાઓ વિકસાવવાની યોજના છે.
પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધા અને સુરક્ષા મળશે. સાથે જ ધાર્મિક પ્રવાસન, સ્થાનિક વ્યવસાય અને રોજગારીને પણ વેગ મળવાની શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દિલ્હીમાં જિનપિંગની સુરક્ષાનું અભેદ્ય ‘ચાઇનીઝ કવચ’: બુલેટપ્રૂફ લિમોઝિન, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને સેંકડો કમાન્ડો સાથે રાજધાની છાવણીમાં ફેરવાઈ

