Gujarat Rental Reforms: ગુજરાતમાં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદોને ઘટાડવા અને ભાડાની વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે નવા ભાડા વિધેયકને મંજૂરી આપવામાં આવી છે. નવી જોગવાઈઓમાં સિક્યોરિટી ડિપોઝિટ, ભાડાવધારો, રિપેરિંગ, મકાન ખાલી કરાવવાની પ્રક્રિયા અને મિલકતની તપાસ સહિતના મુદ્દાઓને નિયમિત કરવામાં આવ્યા છે.
Gujarat Rental Reforms: ડિપોઝિટની મર્યાદા નક્કી

નવી જોગવાઈ મુજબ રહેણાક મિલકત માટે મકાનમાલિક મહત્તમ બે મહિનાના ભાડા જેટલો સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે. જ્યારે બિનરહેણાક મિલકત માટે ડિપોઝિટની મર્યાદા છ મહિનાના ભાડા જેટલી રહેશે.
મકાન ભાડે આપતા પહેલાં લેખિત કરાર કરવો પણ જરૂરી રહેશે. કરારમાં ભાડું, ડિપોઝિટ, ભાડાવધારો, રિપેરિંગ અને કરારની મુદત સહિતની તમામ મહત્વની શરતો સ્પષ્ટ રીતે લખવાની રહેશે.
Gujarat Rental Reforms: મનસ્વી ભાડાવધારા સામે સુરક્ષા
કરારની મુદત દરમિયાન મકાનમાલિક મનસ્વી રીતે ભાડું વધારી શકશે નહીં. ભાડામાં વધારો કરવાની સ્થિતિમાં ભાડુઆતને લેખિત નોટિસ આપવી પડશે. સાથે જ પાણી, વીજળી કે અન્ય આવશ્યક સેવાઓ બંધ કરીને ભાડુઆત પર દબાણ કરવાની મનાઈ રહેશે.
મકાનની તપાસ કરવા માટે પણ મકાનમાલિકે ભાડુઆતને ઓછામાં ઓછા 24 કલાક અગાઉ જાણ કરવી પડશે.
પેટાભાડું અને મકાન ખાલી કરાવવાના નિયમો

લેખિત મંજૂરી વિના ભાડુઆત મિલકત પેટાભાડે આપી શકશે નહીં. બીજી તરફ કરારની મુદત પૂર્ણ થયા બાદ પણ ભાડુઆત મકાન ખાલી ન કરે તો વધારાનું ભાડું અને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
ભાડાને લગતા વિવાદોના ઝડપી નિકાલ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને ટ્રિબ્યુનલ જેવી વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નવી વ્યવસ્થાનો હેતુ મકાનમાલિક અને ભાડુઆત બંનેના હકો તથા જવાબદારીઓને વધુ સ્પષ્ટ બનાવવાનો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બરે પાંચ વર્ષ પૂર્ણ કરશે, લાંબા કાર્યકાળની યાદીમાં પાંચમું સ્થાન

