Historic Milestone at Kevadia: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ)ની તેની સર્વોચ્ચ જળસપાટીએ પહોંચીને સંપૂર્ણ છલોછલ ભરાઈ ગયો છે. આ ઐતિહાસિક અને મંગળકારી ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમ સ્થળે પહોંચીને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કરી નર્મદા મૈયાના નીરના ભવ્ય વધામણાં કર્યા હતા. વર્ષ ૨૦૧૭માં ડેમ રાષ્ટ્રને સમર્પિત કરાયા બાદ આ સતત સાતમી વખત ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાયો છે.
આ પ્રસંગે સમગ્ર ડેમ પરિસરને રંગબેરંગી રોશની અને પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકાર અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Historic Milestone at Kevadia: ૪ કરોડ નાગરિકો માટે પીવાના પાણીની સુરક્ષા અને સિંચાઈનો લાભ
ડેમમાં ૫,૭૩૭.૪૬ મિલિયન ક્યુબિક મીટર (MCM) જેટલો લાઈવ સ્ટોરેજ અને કુલ ૯,૪૬૦ MCM જળસંગ્રહ ઉપલબ્ધ થતાં ગુજરાત માટે આગામી આખું વર્ષ પાણીની ચિંતા ટળી છે.
- પીવાનું પાણી: રાજ્યના ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ નગરો અને ૭ મહાનગરપાલિકાઓના આશરે ૪ કરોડ નાગરિકોને આગામી ઉનાળા સુધી અવિરત પીવાનું શુદ્ધ પાણી મળશે.
- સિંચાઈ અને રવી પાક: ૬૩ હજાર કિલોમીટર લાંબા નહેર માળખા થકી કમાન્ડ વિસ્તારના ખેડૂતોને રવી સીઝન માટે પૂરતું સિંચાઈનું પાણી પૂરું પડાશે.
- જળસંચય નેટવર્ક: ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ ૨૦૧ MCM પાણી આપીને ૧,૦૨૮ તળાવો તથા ‘સૌની યોજના’ થકી ૨૮૮ MCM પાણી આપીને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૬૭ તળાવો, ૧,૦૧૪ ચેકડેમો અને ૪૫ જળાશયો છલકાવી દેવાયા છે.
- વીજ ઉત્પાદન: કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન પૂરજોશમાં કાર્યરત કરી વીજ ઉત્પાદન પણ તેજ ગતિએ શરૂ કરાયું છે.

Historic Milestone at Kevadia: ખેડૂતોને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા CMની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેવા સમયે આ સિદ્ધિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અલ-નીનોની વૈશ્વિક અસર વચ્ચે પણ ડેમ પૂર્ણ ભરાયો છે. જોકે સમગ્ર બેસિનમાં સામાન્ય ૯ મિલિયન એકર ફૂટની સામે ૮ મિલિયન એકર ફૂટ પાણી મળ્યું હોવાથી આશરે દોઢથી બે મિલિયન એકર ફૂટની ઘટ રહેલી છે. આ સંજોગોમાં તંત્ર પાણીના પ્રત્યેક ટીપાંનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશે. સાથે જ તેમણે રાજ્યના ખેડૂતોને પણ ઓછા પાણીએ વધુ ઉપજ આપતા પાક પસંદ કરવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિશેષ અપીલ કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
પ્રોટીન માટે નોનવેજ ખાવું જરૂરી નથી, શાકાહારી થાળીમાં પણ ભરપૂર પ્રોટીન

