₹3,000 Crore Drugs Seized: ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અરબી સમુદ્રમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન 526 કિલોથી વધુ MD ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત લગભગ રૂ. 3,000 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

₹3,000 Crore Drugs Seized: લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતું હતું ડ્રગ્સ

મળતી માહિતી પ્રમાણે, ડ્રગ્સનો આ જથ્થો દરિયાઈ માર્ગે લક્ષદ્વીપની પશ્ચિમ તરફથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો. ગુજરાત ATS, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી સહિતની ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું.
₹3,000 Crore Drugs Seized: જહાજને મધદરિયે ઘેરી તપાસ હાથ ધરી
શંકાસ્પદ જહાજ પર સતત નજર રાખ્યા બાદ કોસ્ટ ગાર્ડની ટીમે મધદરિયે જહાજને રોકી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જહાજમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલામાં ગુજરાત ATSની ટીમ પણ જોડાઈ હતી.
₹3,000 Crore Drugs Seized: પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

આ કાર્યવાહીમાં જહાજ પર સવાર પાંચ શખસોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પાંચેય આરોપીઓ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કડી શોધાશે
આ સમગ્ર કાર્યવાહી બાદ તપાસ એજન્સીઓ હવે ડ્રગ્સના સ્ત્રોત, દરિયાઈ માર્ગ અને તેના અંતિમ ડેસ્ટિનેશન અંગે તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલા પાંચેય આરોપીઓના અન્ય સંપર્કો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથેની સંભવિત કડી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશનને દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

