Firing at Varanasi Airport: વારાણસી એરપોર્ટ પર રવિવારે સવારે સર્જાયેલી એક આશ્ચર્યજનક ઘટનામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા મુંબઈ જવા માટે આવેલા આઝમગઢના એક મુસાફરની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી સુરક્ષા તપાસ દરમિયાન અચાનક ગોળી છૂટી જતાં એરપોર્ટના બે સુરક્ષા કર્મચારીઓ લોહીલુહાણ થયા હતા.
Firing at Varanasi Airport: ચેકિંગ દરમિયાન બની ઘટના

મળતી માહિતી મુજબ, આઝમગઢના જીયનપુર વિસ્તારના રહેવાસી અને મુંબઈના પૂર્વ નગરસેવક કમલેશ રાય પોતાની પત્ની સાથે વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ (IX-1810) દ્વારા મુંબઈ જઈ રહ્યા હતા. નિયમ મુજબ તેમણે પોતાની પાસે હથિયાર હોવાની જાણ અગાઉથી કરી હતી.
સુરક્ષા તપાસ અને એક્સ-રે કાઉન્ટર પર પિસ્તોલની ચકાસણી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયર થઈ ગયું હતું. આ અચાનક થયેલા ફાયરિંગના અવાજથી એરપોર્ટ પર હાહાકાર મચી ગયો હતો અને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
Firing at Varanasi Airport: કર્મચારીઓને વાગી ગોળી

ફાયરિંગને કારણે કાઉન્ટર પર હાજર બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
- મહિલા કર્મચારી સુમન (32) ની જાંઘમાં ગોળી વાગી હતી.
- કર્મચારી રોહિત રાજ ના હાથમાં ઈજા થઈ હતી.
ઘટના બાદ CISFના જવાનો અને એરપોર્ટ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને ઘાયલ કર્મચારીઓને ત્વરિત સારવાર માટે વારાણસીના હરહુઆ વિસ્તારની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
Firing at Varanasi Airport: મુસાફરની પૃષ્ઠભૂમિ અને તપાસ

એરપોર્ટના ડિરેક્ટર પુનીત ગુપ્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જે મુસાફર કમલેશ રાયની પિસ્તોલમાંથી ગોળી છૂટી છે, તેઓ આઝમગઢમાં કોલેજ ચલાવે છે અને મુંબઈમાં શિવસેનાના પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે.
સ્વાતંત્ર્ય દિવસના પગલે એરપોર્ટ પર 11 થી 20 ઓગસ્ટ સુધી હાઈએલર્ટ ઝોન જાહેર કરાયેલો હોવા છતાં આ ગંભીર ઘટના બની છે. એડીસીપી ગોમતી ઝોન સહિત પોલીસ, એરપોર્ટ અને ઇન્ટેલિજન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ ફાયરિંગ ભૂલથી થયું છે કે જાણી જોઈને કરવામાં આવ્યું છે, તે અંગે પોલીસ દ્વારા કમલેશ રાયની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મહાકાલ મંદિરના જૂતા-ચંપલના ઢગલામાંથી AIએ શોધી આપ્યા ખોવાયેલા ચંપલ!

