HomeGujaratThe Deepu Tanki Files: બેંકિંગ સેક્ટરમાં ભૂકંપ, અમદાવાદમાં અજાણ્યા લોકોની મિલકતો પર...

The Deepu Tanki Files: બેંકિંગ સેક્ટરમાં ભૂકંપ, અમદાવાદમાં અજાણ્યા લોકોની મિલકતો પર બારોબાર ₹18.50 કરોડની લોનનું સેટિંગ, ભેજાબાજ ‘દીપુ ટાંકી’નો પર્દાફાશ

The Deepu Tanki Files: ગુજરાતના બેંકિંગ સેક્ટરમાંથી આંખો ફાડી નાખે તેવું એક મોટું લોન કૌભાંડ સામે આવ્યું છે. સામાન્ય માણસ જ્યારે સાચી લોન લેવા જાય ત્યારે ચંપલ ઘસાઈ જાય છે, પરંતુ અમદાવાદમાં એક એવો ભેજાબાજ ઠગ નીકળ્યો જેણે અજાણ્યા લોકોની કિંમતી જમીનો બતાવીને એક-બે નહીં પણ 7-7 બેંકોની સિસ્ટમ હલાવી નાખી. માસ્ટરમાઈન્ડ દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકીએ બેંક મેનેજરો અને સરકારી અધિકારીઓની મિલીભગતથી 11 જેટલી મિલકતો પર અંદાજે ₹18.50 કરોડથી વધુની લોન બારોબાર પાસ કરાવી લીધી હતી. મૂળ માલિકોના ઘરે જ્યારે બેંકની જપ્તીની નોટિસો પહોંચી ત્યારે આ કરોડોના કાળા ખેલનો ભાંડો ફૂટ્યો હતો.

આ ભેજાબાજ સામે હાલ અમદાવાદના 12 અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

The Deepu Tanki Files

The Deepu Tanki Files: કેસ-૧: રિટાયર્ડ આર્મી ઓફિસરના પ્લોટ પર ₹૧.૨૦ કરોડની લોન

નરોડામાં રહેતા નિવૃત્ત આર્મી ઓફિસર જુજારસિંહ ગુરૂમુખસિંહ સલુજાએ વર્ષ 2012માં સરદારનગરમાં 584 વારનો એક પ્લોટ ખરીદ્યો હતો. વર્ષ 2015માં તેમણે ત્યાં બાંધકામ પણ કરાવ્યું.

  • બેંકની ધમકી: વર્ષ 2018માં અચાનક બેંકના કર્મચારીઓ આવ્યા અને કહ્યું, આ સુરેશ સોમાણીનો પ્લોટ છે, તેણે લોન નથી ભરી એટલે અમારે આ મિલકત જપ્ત કરવાની છે, તમે ખાલી કરી દો.”
  • કોર્ટ ઓર્ડર અને કબજો: વર્ષ 2025માં બેંકના અધિકારીઓ પરિવારની ગેરહાજરીમાં કોર્ટનો ઓર્ડર લાવીને પ્લોટ પર ખાનગી સિક્યોરિટી બેસાડી ગયા અને નોટિસ મારી દીધી. સલુજા પરિવારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમની જાણ બહાર આ પ્લોટ પર ₹1.20 કરોડની લોન લેવાઈ ગઈ છે!
The Deepu Tanki Files

The Deepu Tanki Files: ઠગાઈની મોડસ ઓપરેન્ડી: સરવે નંબરની એવી હેરાફેરી કે ઓડિટરો પણ ચકરાઈ જાય

ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે દીપુ ટાંકી લોન પાસ કરાવવા માટે નકલી દસ્તાવેજોનું મોટું નેટવર્ક ચલાવતો હતો:

  1. નકલી પ્રોપર્ટી કાર્ડ: કૌભાંડીઓએ લોન લેનાર સુરેશ સોમાણીના નામે ખોટું પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું, જેનો સરકારી ચોપડે કોઈ રેકોર્ડ જ નહોતો. કાગળ પર 584 વારના પ્લોટને સીધો 999 વારનો બતાવી દીધો.
  2. સરવે નંબરનો ખેલ: ફાઈલમાં સત્તાવાર રીતે જુજારસિંહનો સરવે નંબર 1898 રાખવામાં આવ્યો, પરંતુ અંદરના નકશા અને પ્લોટના ફોટા 5 કિલોમીટર દૂર આવેલા રમેશ રાણાના સરવે નંબર 4599ના લગાડી દીધા!
  3. વિધવા મહિલાની મજબૂરીનો ફાયદો: જમીનની હિસ્ટ્રી સાચી બતાવવા કાગળ પર ગંગાબહેન, મીનાબહેન અને કંચનબહેન નામના ત્રણ વૃદ્ધાના નામ ચડાવી દીધા. કંચનબહેનના જણાવ્યા મુજબ, વર્ષ 2013માં વિધવા પેન્શન ચાલુ કરાવવાની લાલચ આપીને ઈશ્વરભાઈ પટેલ નામના શખ્સે તેમની પાસે કોરા કાગળો પર સહીઓ કરાવી લીધી હતી, જેનો આ કૌભાંડમાં દુરુપયોગ કરાયો.
  4. ચેક નંબરમાં પણ પોલ: જમીન ખરીદીના દસ્તાવેજમાં વર્ષ 2013માં ₹2 લાખનો ચેક ચૂકવાયો હોવાનું દર્શાવાયું હતું. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે એ ચેક તો વર્ષ 2010નો હતો અને માત્ર ₹50,000નો હતો જે ચાંદલોડિયા બ્રાંચમાં ક્યારનોય જમા થઈ ચૂક્યો હતો.
  5. ત્રિપુરામાં રહેતા CAના નામે નકલી ઓડિટ: લોન માટે જરૂરી વેલ્યુએશન અને ઓડિટ રિપોર્ટ CA અમિત ગોહિલના નામે રજૂ કરાયા હતા. પરંતુ હકીકતમાં તેઓ એ સમયે ગુજરાતમાં નહોતા અને ત્રિપુરા રહેતા હતા. તેમના પણ નકલી સહી-સિક્કા કરાયા હતા.

The Deepu Tanki Files: બેંકના અધિકારીઓની સીધી મિલીભગતની શંકા

સામાન્ય રીતે બેંક લોન આપતા પહેલા પ્રોપર્ટીનું ક્રોસ-વેરિફિકેશન અને ઓન-ગ્રાઉન્ડ તપાસ કરે છે. પરંતુ આ કેસમાં બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર પી.બી.મીણા, સ્ટ્રેસ્ડ મેનેજર રોહિત રંજન અને ચીફ મેનેજર મહિપાલસિંહ રાજપુરોહિતે સ્થળ તપાસ માત્ર કાગળ પર જ કરી હોવાનું સ્પષ્ટ થાય છે. જો કોઈ અધિકારી સ્થળ પર ગયો હોત તો 5 કિલોમીટર દૂરના પ્લોટના ફોટા પકડાઈ ગયા હોત. બેંકને છેતરપિંડી શોધવા કરતા મિલકત જપ્ત કરવામાં વધુ રસ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

The Deepu Tanki Files: આંકડો ₹19 કરોડથી પણ મોટો હોવાની આશંકા

કાગળ પર આ જમીન ઈશ્વર પટેલ દ્વારા સુરેશ સોમાણીના નામે ટ્રાન્સફર કરાઈ હતી. ત્યારબાદ સુરેશ અને તેના ભાઈ મનીષ સોમાણીએ તુલસી સિલ્વર ઈન્ડસ્ટ્રીઝ’ નામની ફેક કંપની ઊભી કરી અલ્હાબાદ બેંકમાંથી કરોડોની લોન ઉપાડી લીધી હતી.

હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકી, ઈશ્વર પટેલ અને સુરેશ સોમાણીની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ ઘણા એવા મિલકતધારકો છે જેમના ઘરે બેંકવાળા રિકવરી માટે આવ્યા જ નથી, એટલે વાસ્તવિક કૌભાંડનો આંકડો ₹19 કરોડથી ઘણો મોટો હોઈ શકે છે.

ચેતવણી: આ કિસ્સો દરેક મિલકતધારક માટે લાલબત્તી સમાન છે. જો તમે તમારી મિલકતના સરકારી રેકોર્ડ નિયમિત ચેક નથી કરતા, તો આવા ભૂગર્ભ ઠગો બેંકિંગ સિસ્ટમ સાથે મળીને તમારી જ પ્રોપર્ટી પર મોટો ખેલ પાડી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

NEET પેપર કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી એક્શન, રાજસ્થાન અને બિહારથી વધુ 3 આરોપીઓ ઝડપાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments