Shravan Month Begins:શિવ ઉપાસનાના પવિત્ર અને મહાપર્વ સમાન શ્રાવણ માસનો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ પાવન અવસરે ગુજરાતભરના શિવાલયો ‘હર હર મહાદેવ’ અને ‘જય જય શિવશંકર’ના ગગનભેદી જયઘોષથી ગૂંજી ઉઠ્યા છે. રાજ્યભરમાં ભોળાનાથના દર્શન અને આરાધના માટે શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Shravan Month Begins:સોમનાથમાં ભવ્ય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઝરમર વરસાદ વચ્ચે પણ હજારોની સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન માટે લાંબી લાતોમાં કતારબદ્ધ ઊભા રહીને પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.
- ૩૦ દિવસીય મહોત્સવ: સોમનાથમાં આજથી આગામી ૧૧ સપ્ટેમ્બર સુધી ૩૦ દિવસીય ભવ્ય ‘શ્રાવણ શિવ મહોત્સવ’ યોજાઈ રહ્યો છે, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળશે.
- ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા: દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી ઝેડ પ્લસ (Z+) સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Shravan Month Begins:ભાવનગર અને ગોહિલવાડના શિવાલયોમાં શિવભક્તિનો શંખનાદ

ભાવનગર પંથકમાં પણ શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવ આરાધનાનો માહોલ છવાયો છે. શહેરના પ્રખ્યાત ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ, જશોનાથ, તખ્તેશ્વર અને બારસો મહાદેવ સહિત ૧૫૦થી વધુ તેમજ જિલ્લાના માળનાથ, નિષ્કલંક, પડઘલીયા અને ગોપનાથ જેવા પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.
- શ્રદ્ધાળુઓએ ભોળાનાથને ગાયનું દૂધ, જળ, નાળિયેર પાણી, લીલી દ્રાક્ષ અને દાડમના રસથી અભિષેક કરી બિલિપત્ર અર્પણ કર્યા હતા.
Shravan Month Begins:ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત

આખા વર્ષમાં વિશેષ મહત્વ ધરાવતા આ ૩૦ દિવસીય શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં અનેકવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે:
- પ્રતિદિન ચાર પ્રહરની મહાઆરતી અને ભવ્ય દીપમાળા.
- હોમાત્મક લઘુરુદ્ર, રૂદ્રાભિષેક, મહામૃત્યુંજય યજ્ઞ અને ધ્વજારોહણ.
- પાલખીયાત્રા, વિશેષ સંધ્યા શણગાર, શિવધૂન, ભજન-કિર્તન.
- સંતવાણી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બનશે.
આમ, સમગ્ર ગુજરાતમાં શ્રાવણના પહેલા દિવસે જ શિવભક્તિનું અદભુત વાતાવરણ સર્જાયું છે અને ભક્તો શિવજીની આરાધનામાં લીન બન્યા છે.

