PM Surya Ghar Scheme: ઘરનું વીજળી બિલ ઘટાડવા અને વીજળીના ખર્ચમાંથી રાહત મેળવવા માંગતા ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમ એક સારો વિકલ્પ બની રહી છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના અંતર્ગત સોલાર સિસ્ટમ લગાવનારા ગ્રાહકોને સબસિડી આપવામાં આવે છે. હવે નાના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ તરફ પ્રોત્સાહિત કરવા વધારાની સબસિડીની જોગવાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પાત્ર ગ્રાહકોને ₹1 લાખથી વધુની સહાય મળી શકે છે. ખાસ કરીને દર મહિને ₹1,500થી ₹2,000 સુધીનું વીજળી બિલ ભરતા પરિવારો માટે આ યોજના ઉપયોગી બની શકે છે.
PM Surya Ghar Scheme: 2.18 કિલોવોટની સિસ્ટમ પર મળશે વધારાની સબસિડી

કોસ્ટન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર કૃણાલ પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી મળતી હતી. હવે નાના વીજ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને 2.18 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે વધારાની સબસિડીની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમના જણાવ્યા પ્રમાણે, 2.18 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવનારા જનરલ કેટેગરીના ગ્રાહકોને અગાઉ ₹63,240ની સબસિડી મળતી હતી, જે વધારીને ₹97,290 કરવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના ગ્રાહકો માટે સબસિડીની રકમ ₹1,02,695 સુધી થઈ શકે છે. એટલે કે જનરલ કેટેગરીના ગ્રાહકોને ₹34,050 અને SC-ST કેટેગરીના ગ્રાહકોને ₹39,455નો વધારાનો લાભ મળતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
PM Surya Ghar Scheme: દર મહિને ₹2,000 સુધીનું બિલ આવતું હોય તેવા ગ્રાહકોને લાભ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના વીજ ગ્રાહકોને સોલાર સિસ્ટમ લગાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ખાસ કરીને જે પરિવારો દર મહિને ₹1,500થી ₹2,000 સુધીનું વીજળી બિલ ભરે છે અને ખર્ચને કારણે અત્યાર સુધી સોલાર સિસ્ટમ લગાવવાનું ટાળતા હતા, તેમના માટે આ યોજના ઉપયોગી બની શકે છે. સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ઘરનાં વીજ ઉપકરણો ચલાવવા માટે કરી શકાય છે. આથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડી શકાય છે.
PM Surya Ghar Scheme: ઘરે સોલાર લગાવવા માટે કેવી રીતે અરજી કરવી?

સોલાર રૂફટોપ સિસ્ટમ માટે ગ્રાહકોએ PM સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અરજીની પ્રક્રિયા નીચે મુજબ છે:
- સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ પર જાઓ.
- વીજળી ગ્રાહક નંબર અને જરૂરી વિગતો દાખલ કરો.
- મોબાઇલ નંબર પર આવેલા OTP દ્વારા રજિસ્ટ્રેશન કરો.
- તમારી પસંદગીના રજિસ્ટર્ડ વેન્ડરની પસંદગી કરો.
- જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી મંજૂર થયા બાદ સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો.
- ઇન્સ્ટોલેશન બાદ નેટ મીટરિંગ અને જરૂરી ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરાવો.
- ત્યારબાદ સબસિડી માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં મંજૂર રકમ બેંક ખાતામાં જમા થશે.
PM Surya Ghar Scheme: કયા દસ્તાવેજોની જરૂર પડશે?

અરજી કરતી વખતે ગ્રાહકોએ વીજળીનું તાજેતરનું બિલ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર અને જરૂરી અન્ય દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે વીજળીના બિલમાં દર્શાવેલું નામ અને જરૂરી દસ્તાવેજોમાં દર્શાવેલું નામ એકસરખું હોવું જોઈએ. નામમાં તફાવત હોય તો અરજીની પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે.
PM Surya Ghar Scheme: સબસિડીના પૈસા સીધા બેંક ખાતામાં મળશે
સોલાર સિસ્ટમ લગાવવા માટે શરૂઆતમાં ગ્રાહકે વેન્ડર અથવા એજન્સીને નક્કી થયેલી કિંમત ચૂકવવાની રહેશે. ત્યારબાદ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન, નેટ મીટરિંગ અને જરૂરી તપાસ પૂર્ણ થયા પછી સબસિડીની પ્રક્રિયા આગળ વધશે. મંજૂર થયેલી સબસિડીની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
PM Surya Ghar Scheme: ₹5,000થી ₹10,000માં સોલાર લાગશે?
સોલાર સિસ્ટમ લગાવવા માટે માત્ર ₹5,000થી ₹10,000નો ખર્ચ થશે તેવી વાતો પણ ચર્ચામાં છે. જોકે, આ રકમને દરેક ગ્રાહક માટેની અંતિમ કિંમત માનવી યોગ્ય નથી. સિસ્ટમની ક્ષમતા, વપરાતા સાધનો, વેન્ડરની કિંમત અને અન્ય ખર્ચ પ્રમાણે કુલ કિંમત બદલાઈ શકે છે. તેથી સોલાર લગાવતા પહેલાં ગ્રાહકોએ કુલ ખર્ચ, મળવાપાત્ર સબસિડી અને વેન્ડરની વિગતોની લેખિતમાં ખાતરી કરવી જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના: ટ્રમ્પના માર-એ-લાગો નિવાસસ્થાનથી નજીક પ્રાઇવેટ જેટ ક્રેશ, પાયલટની છેલ્લી ચીસો બાદ 9 લોકોનાં મો*

