Mahisagar News:મહીસાગર જિલ્લાના વીરપુરમાં કોમી એકતા, ભાઈચારો અને માનવતાનો અનોખો સંદેશ આપતો એક હૃદયસ્પર્શી પ્રસંગ જોવા મળ્યો હતો. લીમરવાડા ગામના દિગ્વિજયસિંહ રાઠોડે મુસ્લિમ સમાજની શેખ આસિફા ઈકબાલભાઈને પોતાની સગી બહેન સમજી હિન્દુ પરંપરા મુજબ મામેરું ભરીને સમાજ સમક્ષ ભાઈ-બહેનના પ્રેમ અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, દિગ્વિજયસિંહ રાઠોડ અને શેખ આસિફા વચ્ચે વર્ષોથી ભાઈ-બહેન જેવો સ્નેહભર્યો સંબંધ છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારે બંધાયેલી રાખડીના આ સંબંધને વધુ મજબૂત બનાવતા દિગ્વિજયસિંહે બહેન માટે મામેરું ભરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ પોતાના પરિવારજનો સાથે ડીજેના તાલે વીરપુરના રિલીફ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલી બહેનના ઘરે પહોંચ્યા હતા.

Mahisagar News:સોના-ચાંદીના દાગીના અને ઘરવખરી ભેટરૂપે અર્પણ
હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ દિગ્વિજયસિંહ રાઠોડે બહેન માટે સોના-ચાંદીના દાગીના, કિંમતી સાડીઓ, કપડાં તેમજ ઘરવખરીનો વિવિધ સામાન મામેરા તરીકે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે બંને પરિવારોમાં આનંદ અને લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું.
Mahisagar News:મુસ્લિમ પરિવારે પણ કર્યું ઉષ્માભર્યું સ્વાગત
વિશેષ વાત એ રહી કે મુસ્લિમ પરિવારે પણ હિન્દુ પરંપરાનું સન્માન કરતાં દિગ્વિજયસિંહ અને તેમના પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ડીજેના તાલે મુસ્લિમ મહિલાઓ અને યુવાનો ગરબે ઘૂમ્યા હતા અને મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દૃશ્યે ઉપસ્થિત લોકોને ભાવવિભોર કરી દીધા હતા.
Mahisagar News:સ્નેહના સંબંધો જ સમાજને જોડે છે
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે લોહીના સંબંધો કરતાં લાગણી અને વિશ્વાસના સંબંધો વધુ મજબૂત હોય છે. આજના સમયમાં જ્યારે સમાજમાં વિભાજનની વાતો થાય છે, ત્યારે આવા પ્રસંગો કોમી એકતા અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ આપે છે.
દિગ્વિજયસિંહ રાઠોડે પોતાની બહેન માટે મામેરું ભરી માત્ર રાખડીના સંબંધનું સન્માન જ કર્યું નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે માનવતા, પ્રેમ અને સૌહાર્દનું એક અનોખું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. વીરપુરમાં યોજાયેલ આ પ્રસંગ હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો :ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો: ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 5 આરોપી ઝડપાયા




