Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદના જોરમાં મોટો ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ જ જોવા મળ્યો છે. અગાઉ રાજ્ય પર સક્રિય થયેલું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. આ ઉપરાંત, સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો હટી ગયા હોવાનું જણાય છે, જેના કારણે હાલ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. જોકે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફની સંયુક્ત અસરના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત્ રહેવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather Update: 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ વરસાદ
રવિવારના રોજ પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ રાજકોટમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં આ વર્ષના ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ૨૧ ટકા વધુ નોંધાયો છે, જે આ વર્ષના સક્રિય ચોમાસાની સાક્ષી પૂરે છે.
Gujarat Weather Update: દરિયાકાંઠે પવનની ગતિ વધતા માછીમારોને ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના દરિયાકાંઠાના બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ નંબર-૩ (LCS-3) લગાવી દેવામાં આવ્યું છે.
Gujarat Weather Update: આજે કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના?

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે:
- ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી.
- સૌરાષ્ટ્ર-કચ્છ: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ.
આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ, વીજળીના ચમકારા અને ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
અમદાવાદ શહેરની વરસાદી સ્થિતિ
અમદાવાદ શહેર માટે હવામાન વિભાગે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની અને એકથી બે વખત છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન ૧૨ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે શહેરમાં સિઝનનો કુલ વરસાદ ૨૧.૭૫ ઈંચ (૫૫૨.૪ મિમી) સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય કરતાં ૬.૦૩ ઈંચ (૧૫૩.૧ મિમી) વધુ છે.
આ પણ વાંચો :NEET PG 2026 પરીક્ષામાં મોટા ફેરફારો: હવે એક જ શિફ્ટમાં પેપર અને ઘરની નજીક સેન્ટર, સુરક્ષા પણ સઘન બનાવાઈ