Gujarat Weather Update: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોવા છતાં વાતાવરણમાં એક વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયેલા હોવા છતાં પવનોની દિશા બદલાવાને કારણે ગરમી ઘટવાને બદલે પારો સતત ઊંચે જઈ રહ્યો છે. વાસંધિ કાળ જેવા આ માહોલમાં અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જૂન આસપાસ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ટૂંક સમયમાં જ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

Gujarat Weather Update: ‘અલ-નીનો’ના કારણે ચોમાસું લંબાયું, દક્ષિણ ગુજરાતમાં રાહત
સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં કેરળ થઈને આગળ વધતું ચોમાસું આ વર્ષે ‘અલ-નીનો’ પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે વિલંબિત થયું છે. સાર્વત્રિક વરસાદના અભાવે ખેડૂતોની વાવણી પણ ખોરંભાઈ છે. જોકે, આજે (22 જૂન) વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો, વલસાડ, નવસારીના ઇટાળવા-જમાલપોર અને તાપીના વ્યારા-વાલોડમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદથી સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે અને ધરતીપુત્રોમાં પણ આનંદનો માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પારડીમાં સૌથી વધુ 0.35 ઈંચ (9 MM) વરસાદ પડ્યો છે.

Gujarat Weather Update: આગામી 7 દિવસ ક્યાં કેવો વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર નીચે મુજબ રહેશે:
- 22 જૂન: ઉત્તર ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ વગેરે) તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
- 23 જૂન: વરસાદનો વ્યાપ ઘટશે. ઉત્તર ગુજરાતમાં માત્ર અમદાવાદ અને આણંદમાં જ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
- 24 જૂન: ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સંપૂર્ણ સૂકું થઈ જશે. વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવ પૂરતો સીમિત રહેશે.
- 25થી 28 જૂન: ચોમાસાની સિસ્ટમ ધીમી પડતાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે. માત્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો અને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં હળવા લોકલ સ્પેલ આવી શકે છે.

Gujarat Weather Update: ગરમીનો પારો 40 ડિગ્રીને પાર: અમદાવાદમાં પારો 41 ડિગ્રી થવાની સંભાવના
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાયું છે. રાજ્યના 5 મુખ્ય શહેરોમાં પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો:
| શહેર | મહત્તમ તાપમાન |
| અમદાવાદ | 40.7°C |
| વલ્લભ વિદ્યાનગર | 40.3°C |
| સુરેન્દ્રનગર | 40.3°C |
| ગાંધીનગર | 40.2°C |
| રાજકોટ | 40.2°C |
અમદાવાદમાં રવિવારે રાત્રે પણ લઘુત્તમ તાપમાન 29.2°C નોંધાતા રાત્રિ દરમિયાન પણ ભારે અકળામણ રહી હતી. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે સાંજે ગાજવીજ સાથે વરસાદના એક-બે સ્પેલ આવી શકે છે, પરંતુ ગરમીથી ખાસ રાહત નહીં મળે અને પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.

Gujarat Weather Update: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ઘટી
સમગ્ર રાજ્યમાં જ્યારે ઉનાળા જેવો અસહ્ય ઉકળાટ છે, ત્યારે દરિયાકાંઠાના મર્યાદિત ભાગોમાં તાપમાન ઘટતાં રાહત મળી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં તાપમાન 1.4°C ઘટીને 33.2°C નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન છે. આ ઉપરાંત પોરબંદરમાં 33.4°C અને દ્વારકામાં 33.6°C તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતાં ઓછું કે તેની આસપાસ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધશે, જે બાદ જ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ અને વરસાદનું જોર વધવાની આશા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




