They Are Taking My Daughter: અમેરિકાના સીએટલ-ટાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી (ICE)ની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. એરપોર્ટ પર મુસાફરોની હાજરીમાં બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન એક મહિલાએ અધિકારીઓને રોકવા માટે તેમના પગ પકડી લીધા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે રડતાં પોતાની દીકરીને લઈ ન જવાની વિનંતી કરી હતી. મહિલાનો દાવો હતો કે તેની દીકરી પાસે અમેરિકામાં કામ કરવાની માન્ય પરવાનગી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમેરિકામાં ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે.
They Are Taking My Daughter: બોર્ડિંગ દરમિયાન અધિકારીઓની કાર્યવાહીથી અફરાતફરી

મળતી માહિતી પ્રમાણે, અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ 1306 શનિવારે સવારે 8:10 વાગ્યે લોસ એન્જેલિસ જવા માટે રવાના થવાની હતી. મુસાફરો વિમાનમાં બેસવા માટે બોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે માસ્ક પહેરેલા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓ જેટ બ્રિજ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ બે લોકોને કસ્ટડીમાં લેવાની કાર્યવાહી શરૂ કરતાં ત્યાં હાજર મુસાફરોમાં આશ્ચર્ય અને ગભરાટ ફેલાયો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં એક વ્યક્તિને જમીન પર ઢસડીને લઈ જવામાં આવતો હોવાનું જોવા મળે છે. બીજી તરફ એક મહિલા અધિકારીઓ સામે આજીજી કરતી જોવા મળે છે. મહિલા વારંવાર પોતાની દીકરીને લઈ જવામાં આવી રહી હોવાની વાત કહી રહી હતી. તેણે અધિકારીઓના પગ પકડીને કાર્યવાહી રોકવાની વિનંતી પણ કરી હતી. મહિલાના આક્રંદ અને અધિકારીઓની કાર્યવાહી વચ્ચે એરપોર્ટ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

They Are Taking My Daughter: ICEએ કાર્યવાહી અંગે શું ખુલાસો કર્યો?
આ સમગ્ર મામલે ICE તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ સામાન્ય તપાસ નહોતી, પરંતુ ચોક્કસ વ્યક્તિને પકડવા માટે હાથ ધરવામાં આવેલી લક્ષિત કાર્યવાહી હતી. એજન્સીના જણાવ્યા પ્રમાણે, મેક્સિકોના નાગરિક રિકાર્ડો લારોન્ડો મેન્ડોઝાની ધરપકડ કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા. તેમના પર અમેરિકામાં વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ રોકાઈ રહેવાનો આરોપ હતો.
ICEના દાવા મુજબ, કાર્યવાહી દરમિયાન સોફિયા હર્નાન્ડેઝ મેજિયા નામની અન્ય એક મુસાફરે અધિકારીઓ પર ગરમ કોફી ફેંકી હતી. એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો કે સોફિયા પણ મેક્સિકાની નાગરિક છે અને તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે તેના વિરુદ્ધ ફેડરલ અધિકારી પર હુમલો કરવા સંબંધિત કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જોકે, આ તમામ બાબતો ICE દ્વારા કરવામાં આવેલા દાવા છે.
They Are Taking My Daughter: એરલાઇને ઘટનાથી ચિંતા વ્યક્ત કરી

એરપોર્ટ પર થયેલી આ કાર્યવાહીથી અલાસ્કા એરલાઇન્સે પણ નારાજગી અને ચિંતા વ્યક્ત કરી હતી. એરલાઇને જણાવ્યું હતું કે બોર્ડિંગ દરમિયાન ICE અધિકારીઓ દ્વારા કરવામાં આવનારી કાર્યવાહી અંગે તેને અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. મુસાફરો અને કર્મચારીઓની હાજરીમાં બનેલી આ ઘટના પર એરલાઇને ગંભીરતાથી ધ્યાન આપ્યું છે.
એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે દરેક મુસાફર સાથે સન્માન અને ગૌરવપૂર્ણ વ્યવહાર થવો જોઈએ. આ મામલે પોર્ટ ઓફ સિએટલ સાથે મળીને તપાસ કરવામાં આવી રહી છે, જેથી કાર્યવાહી દરમિયાન સંબંધિત નિયમો અને પ્રોટોકોલનું પાલન થયું હતું કે નહીં તે જાણી શકાય. આ ઘટનાના કારણે લોસ એન્જેલિસ જતી ફ્લાઇટ 1306 મોડી પડી હતી.

They Are Taking My Daughter: વોશિંગ્ટનના ગવર્નરે ICEની ટીકા કરી

આ ઘટનાને લઈને વોશિંગ્ટન રાજ્યના ગવર્નર બોબ ફર્ગ્યુસને પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ICEની કામગીરીની નિંદા કરતાં જણાવ્યું હતું કે એજન્સી દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિઓ ચિંતાજનક અને હચમચાવી નાખે તેવી છે. તેમણે આ એજન્સીને નાબૂદ કરવાની માગ પણ વ્યક્ત કરી હતી.
ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ જેટ બ્રિજ સુધી કેવી રીતે પહોંચ્યા અને કઈ પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમના મતે, ICE અધિકારીઓએ માર્ચ મહિનામાં હસ્તાક્ષર કરાયેલા વોશિંગ્ટન રાજ્યના નવા કાયદાનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે છે. આ કાયદા હેઠળ કાયદાનો અમલ કરાવતા અધિકારીઓના ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ ઘટનાએ અમેરિકામાં ઇમિગ્રેશન કાર્યવાહી, અધિકારીઓની કામગીરી અને મુસાફરોના અધિકારો અંગે નવી ચર્ચા જગાવી છે. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને લોકોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે બનશે આધુનિક શૈક્ષણિક સંકુલ, શિક્ષણ અને નિવાસની એકસાથે મળશે સુવિધા

