Gujarat Weather Update: ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે ૧૫ જૂન સુધીમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે નૈઋત્યના ચોમાસાની ગતિ ધીમી રહેતા ચોમાસું હજી સુધી રાજ્યમાં પહોંચી શક્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનો નબળા પડવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી છે, જેના લીધે હવે ૨૩ થી ૨૬ જૂન વચ્ચે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસવાની સંભાવના છે.
બીજી તરફ, રાજ્યમાં હજી પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં સતત ત્રીજા દિવસે ૪૦.૯ ડિગ્રી (છેલ્લા ૨૪ કલાકમાં ૪૧.૪ ડિગ્રી) તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં પણ પારો ૪૦.૪ ડિગ્રી નોંધાયો હતો.

Gujarat Weather Update: ચોમાસું મોડું પડવાનું મુખ્ય કારણ
ચાલુ વર્ષે ચોમાસું કેરળમાં ૪ જૂને પહોંચ્યા બાદ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી ઝડપથી આગળ વધ્યું હતું. પરંતુ ત્યારબાદ પવનો નબળા પડતાં હાલ ચોમાસાની રેખા દક્ષિણ કોંકણ (હરનાઈ) આસપાસ અટકેલી છે. મુંબઈમાં પણ સામાન્ય રીતે ૧૧ જૂને બેસતું ચોમાસું આ વખતે ૧૮ થી ૧૯ જૂન આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું આશરે એક સપ્તાહ મોડું એટલે કે દક્ષિણ ગુજરાતમાં ૨૩ જૂન અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં ૨૫ જૂન બાદ પહોંચશે.
Gujarat Weather Update: હવામાન વિભાગની આગામી ૭ દિવસની વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે:
- ૧૫ થી ૧૭ જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેશે.
- ૧૮ થી ૧૯ જૂન: વરસાદનો વ્યાપ વધશે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ) માં પણ હળવોથી મધ્યમ વરસાદ શરૂ થશે.
- ૧૯ થી ૨૧ જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉક્ત વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે.
Gujarat Weather Update: માછીમારો માટે કોઈ વોર્નિંગ નહીં
હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારો કે માછીમારો માટે કોઈ ‘વેધર વોર્નિંગ’ (ચેતવણી) જાહેર કરવામાં આવી નથી. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આ સપ્તાહમાં વેગ પકડશે. બીજી તરફ અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરત પોલીસની મોટી સફળતા: 33 વર્ષથી ફરાર 3 ‘વોરંટિયા’ આરોપીઓ પોલીસના સકંજામાં




