નવી દિલ્હી:
Fuel Shock:આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય હલચલ અને ઈરાન યુદ્ધની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડવા લાગી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ૨૫ મેના રોજ ફરી એકવાર ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં ₹૨.૬૧ પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ₹૨.૭૧ પ્રતિ લિટરનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
આ આકરા વધારા બાદ રાજધાની દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ₹૧૦૨.૧૨ અને ડીઝલની કિંમત ₹૯૫.૨૦ પર પહોંચી ગઈ છે. ચાલુ મે મહિનામાં જ ઈંધણના ભાવમાં આ ચોથો વધારો છે.
Fuel Shock: મે મહિનામાં ક્યારે-કેટલો વધારો થયો?
તેલ કંપનીઓ દ્વારા ચાલુ મહિનામાં સતત કિંમતો વધારવામાં આવી રહી છે:
- ૨૫ મે: પેટ્રોલ ₹૨.૬૧ અને ડીઝલ ₹૨.૭૧ મોંઘું થયું.
- ૨૩ મે: પેટ્રોલ ૮૭ પૈસા અને ડીઝલ ૯૧ પૈસા મોંઘું કરાયું હતું.
- ૧૯ મે: પેટ્રોલ-ડીઝલમાં સરેરાશ ૯૦ પૈસાનો વધારો ઝીંકાયો હતો.
- ૧૫ મે: કિંમતોમાં સીધો ₹૩ પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
Fuel Shock: ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ શું છે?

પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ની કિંમતોમાં આવેલો ઉછાળો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ અને યુદ્ધની સ્થિતિ શરૂ થઈ તે પહેલા ક્રૂડ ઓઈલ ૭૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે હવે વધીને ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, કાચા તેલના વધતા ભાવોને કારણે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓને દર મહિને આશરે ₹૩૦,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હતું. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી લાંબો સમય ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે છે.
Fuel Shock: સામાન્ય જનતા પર શું અસર થશે?
ઈંધણના ભાવ વધવાના કારણે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોની થાળી પર પણ અસર પડશે:
- મોંઘું થશે માલભાડું: ટ્રક અને ટેમ્પોના ભાડા વધવાથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળો અને રાશન સામગ્રી મોંઘી થશે.
- ખેતી ખર્ચમાં વધારો: ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોએ વધુ પૈસા ખર્ચવા પડશે, જેનાથી અનાજનો ઉત્પાદન ખર્ચ વધશે.
- મુસાફરી મોંઘી બનશે: જાહેર પરિવહન (બસ, ઓટો) અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
Fuel Shock: બેઝ પ્રાઇસથી ગ્રાહક સુધી: કેવી રીતે નક્કી થાય છે ભાવ?

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ ૯૦% ક્રૂડ વિદેશથી આયાત કરે છે. ‘ડેઇલી પ્રાઇસ રિવિઝન’ હેઠળ દરરોજ સવારે ૬ વાગ્યે નવા ભાવ જાહેર થાય છે. એક લિટર પેટ્રોલ-ડીઝલ આપણા સુધી પહોંચે ત્યાં સુધીમાં તેના પર નીચે મુજબના ચાર્જ લાગે છે: ૧. કાચા તેલની મૂળ કિંમત (બેઝ પ્રાઇસ). ૨. રિફાઇનિંગ ખર્ચ અને ઓઇલ કંપનીઓનો નફો. ૩. કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદન શુલ્ક). ૪. પેટ્રોલ પંપ ડીલર્સનું કમિશન. ૫. રાજ્ય સરકારોનો વેટ (VAT) – દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ જેવા શહેરોમાં ભાવ જુદા-જુદા હોય છે.
Fuel Shock: સરકારે અગાઉ આપી હતી રાહત:
માર્ચ ૨૦૨૪થી લોકસભા ચૂંટણી સુધી સરકારે ભાવો સ્થિર રાખ્યા હતા અને ચૂંટણી પહેલા ₹૨નો ઘટાડો પણ કર્યો હતો. તે સમયે સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹૧૩થી ઘટાડી ₹૩ અને ડીઝલ પર ₹૧૦થી શૂન્ય કરી દીધી હતી, જેથી કિંમતો કાબૂમાં રહી શકે. પરંતુ વૈશ્વિક દબાણના કારણે હવે કંપનીઓએ ભાવ વધારવાની ફરજ પડી છે.
પીએમ મોદીની અપીલ: ‘ઈંધણનો ઉપયોગ સંયમથી કરો‘
પશ્ચિમ એશિયાના તણાવપૂર્ણ સંજોગો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના એક કાર્યક્રમમાં દેશવાસીઓને સાવચેતીપૂર્વક પેટ્રોલિયમ ઉત્પાદનો વાપરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આજે સમયની માંગ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ ખૂબ જ સંયમથી અને જરૂરિયાત પૂરતો જ કરવામાં આવે, કારણ કે આપણે આયાતી પેટ્રો ઉત્પાદનો પર નિર્ભર છીએ.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રશિયાનો યુક્રેન પર પ્રલયકારી હુમલો, આખી રાતમાં 690 એટેક, પરમાણુ ક્ષમતા ધરાવતી ‘ઓરેશ્નિક’ મિસાઈલ છોડાતાં હાહાકાર




