Big Win For Farmers: રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતર અંગે ખેડૂત સંગઠનોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, હવેથી ખેડૂતોને વર્ષો જૂની જંત્રીના આધારે નહીં, પરંતુ જમીનના વર્તમાન બજારભાવના બમણા (બે ગણા) દરે વળતર ચૂકવવામાં આવશે.
Big Win For Farmers: ૧૨ દિવસની મેરેથોન બેઠકો બાદ લેવાયો સંવેદનશીલ નિર્ણય
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત મળી રહેલી રજૂઆતોને પગલે સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. આ જટિલ મુદ્દાના ઉકેલ માટે છેલ્લા ૧૨ દિવસથી સતત મેરેથોન બેઠકો યોજાતી હતી, જેમાં કેટલીક બેઠકો તો મોડી રાત્રે ૧૨ વાગ્યા સુધી પણ ચાલી હતી. તમામ આર્થિક અને વહીવટી અસરોની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં આ સંવેદનશીલ નિર્ણય લેવાયો છે.
Big Win For Farmers: હવે કઈ રીતે નક્કી થશે બજારભાવ? MRC કમિટીની રચાશે

અત્યાર સુધી ખેડૂતોને માત્ર ૨૦૧૧ની જૂની જંત્રીના બમણા દરે વળતર મળતું હતું, જે વર્તમાન સમય (૨૦૨૬)ની કિંમતો કરતાં ખૂબ ઓછું હતું. હવે વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી (MRC) ની રચના કરવામાં આવશે.
- કમિટીનું માળખું: આ કમિટી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે. જેમાં ભારત સરકારના ૩ રજિસ્ટર્ડ વેલ્યુઅર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ અને બંને પક્ષના વેલ્યુઅર સામેલ હશે.
- પારદર્શક પ્રક્રિયા: જો બંને પક્ષના વેલ્યુઅરની કિંમતમાં ૨૦% કરતાં વધુ તફાવત હશે, તો કલેક્ટર પોતાના વેલ્યુઅર દ્વારા નક્કી થયેલી રકમ અને તેની સરેરાશના આધારે આખરી કિંમત નક્કી કરશે.
- અપીલનો અધિકાર: જો કોઈ ખેડૂતને વળતર અસંતોષકારક લાગે, તો તેઓ સિવિલ કોર્ટમાં અપીલ કરી શકશે.
Big Win For Farmers: વળતરના નવા ધોરણો અને વધારાના લાભો
સરકારે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ આપવા માટે નિયમોમાં મોટા સાનુકૂળ ફેરફારો કર્યા છે:
૧. પાયાના વિસ્તારમાં વધારો: ટાવરના પાયાની ગણતરીમાં વધારાનો ૧ મીટર વિસ્તાર સામેલ કરાશે, જેથી વળતરની રકમ વધશે.
૨. એકસાથે ચૂકવણું: અગાઉ ૪૦-૪૦-૨૦ ના રેશિયોમાં હપ્તાવાર મળતું વળતર હવે ખેડૂતોને રાહ જોવડાવ્યા વિના એકસાથે અગાઉથી જ ચૂકવી દેવાશે.
૩. વિસ્તાર મુજબ ટકાવારી: ગ્રામ્ય વિસ્તારોમાં બજારભાવના ૩૦ ટકા, નગરપાલિકા વિસ્તારમાં ૪૫ ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ ટકા વળતર ચૂકવાશે.
૪. ચાલુ કામોને પણ લાભ: જે ખેડૂતોને જૂના નિયમ મુજબ વળતર મળી ગયું છે પરંતુ વીજ લાઈનનું કામ હજુ પ્રગતિમાં છે, તેમને પણ આ નવી નીતિનો સીધો લાભ મળશે.
Big Win For Farmers: મોરબીના જેતપર અને સુરેન્દ્રનગરના કોંઢ ગામના ઉદાહરણથી સમજો મોટો ફાયદો:
આ નિર્ણયથી ખેડૂતોને કેટલો મોટો આર્થિક ફાયદો થશે તે આ બે ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે:
| ગામનું નામ | જૂની પ્રથા મુજબ મળવાપાત્ર રકમ | નવી નીતિ મુજબ મળનારી રકમ |
| જેતપર (મોરબી) | ₹ ૧૮.૮૫ લાખ | ₹ ૬૪.૨૭ લાખ |
| કોંઢ (સુરેન્દ્રનગર) | ₹ ૯.૦૦ લાખ | ₹ ૪૨.૦૦ લાખ |
| (નોંધ: કોંઢ ગામમાં ટાવર બેઝ એરિયામાં ₹ ૨.૩૮ લાખ સામે હવે ₹ ૧૮ લાખ અને RoW કોરિડોરમાં ₹ ૬.૩૯ લાખ સામે હવે ₹ ૨૪.૮૩ લાખ મળશે). |
Big Win For Farmers: આંદોલનનો આવ્યો સુખદ અંત
ખેડૂતો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે ૨૦૧૧ની જંત્રી પ્રમાણે સરકાર માત્ર ₹ ૨ લાખ જેવી નાની રકમ આપતી હતી, જ્યારે બજારમાં એક વીઘા જમીનનો ભાવ ₹ ૧૫ થી ૧૬ લાખ સુધીનો છે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં આ મુદ્દે ખેડૂતોનું આંદોલન ખૂબ ઉગ્ર બન્યું હતું. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અન્ય રાજ્યો કરતાં પણ વધુ લાભદાયી નીતિ ગુજરાતમાં લાગુ થઈ છે, જેનાથી રાજ્યભરના હજારો ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: લોકપ્રિય અને સંવેદનશીલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને અપાઈ ભાવભીની વિદાય; પોલીસ બેડામાં ગમગીની




