AMC Fire Brigade Charges Stepped Up: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને મોંઘવારીની અસર હવે ઇમરજન્સી સેવાઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્થાયી સમિતિ (Standing Committee)ની બેઠકમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝના વિવિધ ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.
AMC Fire Brigade Charges Stepped Up: ૧૫ વર્ષના લાંબા ગાળા બાદ ચાર્જમાં મોટો વધારો
અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જીસમાં અગાઉ છેલ્લે વર્ષ ૨૦૧૧માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છેક ૧૫ વર્ષ જેટલા લાંબા સમય પછી આ ચાર્જમાં આકરો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયમાં સામાન્ય નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે.
નાગરિકો માટે રાહત: જો અમદાવાદ શહેરની હદની અંદર કોઈ પણ જગ્યાએ આગ કે અકસ્માતની ઘટના બનશે, તો નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ સેવા સંપૂર્ણપણે મફત રહેશે.
AMC Fire Brigade Charges Stepped Up: ઔદ્યોગિક એકમો અને શહેર બહારની સેવાઓ માટે નવા દર
આ નવો ભાવવધારો મુખ્યત્વે ખાનગી ઔદ્યોગિક એકમો અને શહેરની હદ બહારની સેવાઓ માટે લાગુ પડશે.
- શહેર બહારના વિસ્તારો, જીઆઈડીસી (GIDC) તેમજ ખાનગી કોમર્શિયલ કે ઔદ્યોગિક એકમોમાં આગ ઓલવવા માટે જ્યારે AMCની ફાયર બ્રિગેડ મદદ માટે જશે ત્યારે નવો ચાર્જ ચૂકવવો પડશે.
- જૂનો ચાર્જ વિરુદ્ધ નવો ચાર્જ: અગાઉ આ સેવાઓ માટે ઘટનાના પ્રકાર અને સમયના આધારે આશરે ₹૩૦૦થી ₹૧૦૦૦ સુધીનો સામાન્ય ચાર્જ લેવાતો હતો. હવે નવા સુધારા મુજબ ૮ કલાકની સમયમર્યાદા માટે લઘુતમ (મિનિમમ) ₹૧૬૦૦ નક્કી કરવામાં આવ્યા છે.
- વધારાનો ચાર્જ: જો કામગીરીમાં નક્કી કરેલા ૮ કલાક કરતાં વધુ સમય લાગશે, તો વધારાના કલાકો લેખે અલગથી ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, ઘટનાસ્થળે ગયેલા સ્ટાફને ચૂકવવાનું થતું ભથ્થું પણ જે તે અરજદારે કે સંસ્થાએ અલગથી ભોગવવાનું રહેશે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવાને કારણે ફાયર ફાઇટર વાહનોના મેઇન્ટેનન્સ અને ઇંધણનો ખર્ચ ખૂબ વધી ગયો હોવાથી કોર્પોરેશન દ્વારા આ આર્થિક બોજ વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો :EPFOનો મોટો નિર્ણય: હવે પીએફના પૂરા પૈસા ઉપાડવા માટે કારણ જણાવવું જરૂરી નથી, કરોડો ખાતાધારકોને મોટી રાહત




